અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે ગત તા. 23 માર્ચના રોજ શહીદ દિવસ નિમિત્તે વિરાંજલી સમિતિ દ્વારા શહિદો માટે શ્રધ્ધાંજલીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના ડાયરેક્ટર અભિષેક અગ્રવાલ અને કારગિલ યુદ્ધમાં શહીદ થનારના પુત્ર હાજર રહ્યા હતા.
વિરાંજલી સમિતિ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલી આપવા માટે ગત તા. 23 માર્ચના રોજ અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ તેમજ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના ડાયરેક્ટર અભિષેક અગ્રવાલ સહિત કારગિલ યુદ્ધમાં શહીદ થનાર મુકેશ રાઠોડના પુત્ર હાજર રહ્યા હતા. વિરાંજલી કાર્યક્રમમાં દેશભક્તિ અને દેશને આઝાદી અપાવવામાં બલિદાન આપનાર મહારાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની શહાદતની કહાની નાટક સ્વરૂપે દર્શાવવામાં આવી હતી.
અમદાવાદમાં છેલ્લા 12 વર્ષથી વિરાંજલી નામથી દર વર્ષે તા. 23 માર્ચના રોજ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજાતો આવ્યો છે. વિરાંજલી સમિતિ અને ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ વર્ષ 2008થી શહીદોને યાદ કરવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિરાંજલી નામના કાર્યક્રમની શરૂઆત કરી હતી. અમદાવાદમાં વસ્ત્રાપુરથી કૃણાલ શાહની સાથે મળી આ વિરાંજલી કાર્યક્રમની શરૂઆત 12 વર્ષ પહેલાં કરવામાં આવી હતી, ત્યારે આ કાર્યક્રમ થકી છેલ્લા શ્વાસ સુધી દર વર્ષે શહીદ દિવસની ઉજવણી કરવાવા પણ પ્રતિજ્ઞા લીધી હતી.
સાણંદના બકરાણામાં નાના કાર્યક્રમ થકી કરેલી શરૂઆત આજે 13માં વર્ષે ખૂબ ભવ્ય રીતે યોજાયો હતો. વિરાંજલી કાર્યક્રમમાં સાંઈરામ દવે સહિતના 100થી વધુ કલાકારોએ નાટક સ્વરૂપે દેશભક્તિ અને અવનવા દેશભક્તિના ગીતો સાથે મલ્ટી મીડિયા-શો રજૂ કર્યો હતો. ક્રાંતિકારી એવા ભગતસિંહ, સુખદેવ તથા રાજ્યગુરુ તેમજ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, આઝાદીમાં સીધી કે, આડકતરી રીતે ભાગ ભજવનાર લોકોને આ કાર્યક્રમમાં યાદ કરી તેઓની શહાદત અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જોકે, વિરાંજલી કાર્યક્રમ કર્ણાવતી ક્લબ બાદ હવે નિકોલ ખાતે અને ત્યાર બાદ તબક્કા વાર અલગ અલગ શહેર અને ગામોમાં પણ યોજવાનું આયોજન કરાયું છે.