અમદાવાદ શહેરમાં ફરી એકવાર ઐતિહાસિક રથયાત્રાને ધામધૂમથી કાઢવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. તા. 1 જુલાઈ 2022ના રોજ નીકળનારી રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા શનિવારે રાત્રે સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પોલીસ દ્વારા હોટલ ચેકિંગ, ધાબા ચેકિંગ, ધર્મશાળાઓમાં ચેકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
અમદાવાદમાં યોજાતી રથયાત્રા સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે, ત્યારે આ રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા પોલીસે કમરકસી છે. રથયાત્રા પૂર્વે સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના તમામ અધિકારીઓ જેસીપી, ડીસીપી, એસીપી અને પીઆઇ હાજર રહ્યા હતા. રથયાત્રા પૂર્વે ગુનેગારોમાં ચોક્કસ પ્રકારનો મેસેજ પહોંચે અને તહેવાર દરમિયાન સુલેહ શાંતિ ભંગ ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે પૂર્વ તૈયારી આદરી છે,
ત્યારે આવનારી રથયાત્રા સુખદ રહે અને કોઈપણ પ્રકારના સુલેહ શાંતિ ભંગ વિના જનતા ઐતિહાસિક રથયાત્રાનો લાભ લઇ શકે તે બાબતે અમદાવાદ પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.