અમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી છે. સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યાર બાદ તબક્કાવાર વિવિધ રથ યાત્રાના રુટ પર ફર્યા હતા આ સમયે લોકોએ તેમના મકાનની ગેલેરી,ટેરેસ અને પોળની ગલીમાંથી ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલ રથયાત્રા રેકોર્ડ બ્રેક 4 કલાકમાં પૂર્ણ થઈ હતી અને ત્રણેય રથ નિજ મંદિરે પરત ફર્યા હતા જ્યાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રથનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે રથયાત્રા કોરોનાની મહામારીમાં વિશિષ્ટ પરિસ્થિતિમાં લોકોની શ્રદ્ધાની સાથે સ્વાસ્થ્યનું પણ જતન થાય તે માટે પ્રોટોકોલનાં આધારે નીકળેલી રથયાત્રા સમગ્ર નગરની અંદર 20 કિલોમીટરની પરિક્રમા કરીને ભગવાન નિજ મંદિર પરત આવી ગયા છે. તે આપણા બધા માટે આનંદનો વિષય છે. મંદિરનાં મહારાજ દિલીપદાસજી, મંદિરનાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને આ આયોજન સાથે સંકળાયેલા તમામ લોકોનો હું આભાર માનું છું. પોલીસનાં જવાનોએ ઉચ્ચ બંદોબસ્ત નિભાવ્યો છે. આ બધા કરતાં પણ લોકોને જે અપીલ કરી હતી તે પ્રમાણે, લોકોએ ઘરમાં રહીને ટીવીનાં માધ્યમથી દર્શન કર્યા છે તે બદલ આભાર માનું છું. ફરી એકવાર જગતના તાત એવા જગન્નાથનાં ચરણોમાં પ્રાર્થના છે કે, આગામી વર્ષમાં આપણને કોરોનાની મહામારીમાંથી મુક્તિ આપે અને આગામી ચોમાસું ઉત્તમ રહે.