/connect-gujarat/media/post_banners/d58e3ce54366989bb2f6c871ce9ad30d207f5b5d53acb0b851b13294e3cbdd01.jpg)
અમદાવાદમાં એક યુવકને ઓનલાઈન ગે ચેટિંગ એપ પર મિત્રતા કરવી ભારે પડી છે. એક ટોળકીએ મિત્રતા કરી યુવકને મળવા બોલાવીને માર માર્યો હતો. એટલું જ નહીં, તેના પાસે ઓનલાઈન 1 લાખ રૂપિયા પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે, પોલીસની ચપળતાથી 3 શખ્સો ઝડપાયા છે. તો કેવી રીતે ખેલાય છે, ગે ચેટિંગ એપથી પૈસા પડાવવાનો ખેલ... જુઓ આ અહેવાલમાં...
દ્રશ્યોમાં દેખાતા આ શખ્સો છે પૈસા પડાવનાર ગેંગના સભ્યો. તમામ લોકો એક યુવકના કોમન મિત્રો છે. કોઈ કામધંધો ન કરતા હોવાથી તેઓએ લોકોને ધમકાવવા અને પૈસા પડાવવાનો ખેલ શરૂ કર્યો હતો. આરોપીઓ પહેલા ગે ચેટિંગ એપથી સમલૈંગિક યુવકોને રિક્વેસ્ટ મોકલી વાતચીત કરી મિત્રતા કેળવે છે. બાદમાં મળવા બોલાવે છે અને શરૂ કરે છે પૈસા પડાવવાનો ખેલ.
જોકે, આ આરોપીઓમાંથી એક વ્યક્તિ જે તે સમલૈંગિક યુવકનો સંપર્ક કરી મળવા બોલાવે છે. આ ગુનાના અન્ય આરોપીઓ પણ ત્યાં જ હાજર હોય છે. એકાંતવાળી જગ્યા પર જેવો વ્યક્તિ પહોંચે કે, તુરંત જ તેઓ માર મારી પૈસાની માંગણી કરે છે. બળજબરી એવી રીતે કરે છે કે, જો પૈસા ન હોય તો તેની પાસે ઓનલાઈન પેમેન્ટ કરાવે છે. હાલ ભોગ બનનાર 2 લોકો સામે આવ્યા છે. જેમાં એક વ્યક્તિ પાસે 1 લાખ અને અન્ય વ્યક્તિ પાસે 50 હજારથી વધુની રકમ આરોપીઓએ પડાવી લીધી છે. જોકે, પોલીસે ચપળતા પૂર્વક કામ માત્ર રૂપિયા કોના એકાઉન્ટમાં ગયા તેના આધારે આરોપીઓને દબોચી લીધા છે. આરોપીઓ એવું માનતા હતા કે, સમલૈંગિક વ્યક્તિ બદનામીના ડરથી કોઈ ફરિયાદ ન કરે. પણ ઘાટલોડિયાના યુવકે હિંમત કરીને ફરીયાદ કરતા આરોપીઓની કરતૂતો સામે આવી છે. તમામ આરોપીઓ મોજશોખ માટે આ રીતે અનેક લોકો પાસે પૈસા પડાવી ચુક્યા છે. પોલીસનું માનવું છે કે, હનીટ્રેપ બાદ હવે લોકો પૈસા પડાવવાની આ નવી ટ્રિક એટલે કે, ઓનલાઈન ગે ચેટિંગ એપનો વધુ ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે લોકોએ પણ આવા ભેજાબાજોથી સાવચેત રહેવું તેવી અમદાવાદ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.