અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 9957 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે, ત્યારે છેલ્લા 4 દિવસથી શહેરમાં રોકેટ ગતિએ કોરોના વધતા સ્થાનીય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. કાલુપુર રેલ્વે સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર 4થી વધુ મેડિકલની ટીમ કાર્યરત કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં ત્રીજી લહેરે સપાટો બોલાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 24 હજારથી વધુ કેસ આવતા રાજ્ય સરકાર વધુ આયોજન ઘડવા સજ્જ બની છે, ત્યારે અમદાવાદમાં જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે, તેના કારણે તંત્રની ઊંઘ ઉડી ગઈ છે. રાજ્યના સૌથી મોટા રેલ્વે સ્ટેશન કાલુપુરથી પ્રતિ દિવસ હજારો મુસાફરો રાજ્ય અને આંતરરાજ્ય મુસાફરી કરે છે, ત્યારે આવા મુસાફરોમાં કોઈ કોરોના સંક્રમિત શહેરમાં ન પ્રવેશે તે માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. રેલ્વે સ્ટેશનના 4 એક્ઝિટ ગેટ પર 4 મેડિકલ ટીમને સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી કાર્યરત કરવામાં આવી છે. જ્યાં બહારથી આવતા મુસાફરોનો કોરોના અને RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જો કોઈ મુસાફર પોઝિટિવ આવે તો તેને ટ્રેસ કરવા માટે મુસાફરો ક્યાં જઈ રહ્યા છે, તથા મોબાઈલ નંબર સહિતની વિગતો સાથે રેકર્ડ રાખવામાં આવી રહ્યો છે.
મેડિકલ ટીમના આરોગ્યકર્મીએ જણાવ્યુ હતું કે, છેલ્લા 1 સપ્તાહથી સૌથી વધુ કોરોના ટેસ્ટ કારવામાં આવી રહ્યા છે. પ્રતિ દિવસ 800થી વધુ લોકોના કોરોના અને RTPCR ટેસ્ટ કરવામાં આવે છે. જોકે, દરરોજ 150ની આસપાસ મુસાફરો કોરોના પોઝિટિવ આવતા હાલ પોઝિટિવ રેસિયો પણ વધારે છે. ઉપરાંત અનેક મુસાફરો એવા હોય છે કે, જે ટેસ્ટ કરાવવા નથી માંગતા. પરંતુ તેમને સમજાવી મનાવીને ટેસ્ટ કરવામાં આવે છે. કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે આવતા મુસાફરોમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. સામાન્ય લક્ષણવાળા વ્યક્તિઓને દવા આપી હોમ આઇસોલેશન કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિમાં ગંભીર લક્ષણ જણાય તો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. આમ સ્થાનીય તંત્ર પ્રાયસ કરી રહ્યું છે કે, શક્ય બને ત્યાં સુધી બહારથી આવતા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.