અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 8,111 કરોડ રૂપિયાનો વ્યાપ ધરાવતાં ડ્રાફટ બજેટને મંજુર કરાયું છે. ગત વર્ષની સરખામણી એ બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો છે.......
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2022-23ના ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ રજુ કર્યું હતું. ગત વર્ષના બજેટ કરતા આ વર્ષે 636 રૂ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે બજેટનો વ્યાપ 8,111 કરોડ રૂપિયા રખાયો છે. બજેટની વાત કરવામાં આવે તો બજેટમાં ઝોન દીઠ 7 સ્માર્ટ સ્કૂલ બનાવવાનો ઉલ્લેખ છે. ટ્રાફિકની કામગીરી માટે 60 કરોડ ફાળવાયા છે. હેલ્થ અને હોસ્પિટલ માટે આ વર્ષે રૂ. 128 કરોડ ફાળવવામાં આવ્યાં છે. 10 નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે, જેના માટે રુ. 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ચાલુ વર્ષે 95 હજાર જેટલા મકાનો બનાવવાનું આયોજન કોર્પોરેશન તરફથી કરાયું છે. આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં કરવેરો વધારવામાં ન આવ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. અમદાવાદમાં 13 નવા બ્રિજ બનશે.જેમાં 3 રેલવે ઓવરબ્રિજ, 8 રેલવે અન્ડર પાસ, 2 ફ્લાય ઓવર બ્રિજનો સમાવેશ થવા જાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાને જણાવ્યું હતું કે, બજેટએ માત્ર આંકડાની માયાજાળ છે. દર વખતે બજેટમાં દિવા સ્વપન બતાવવામાં આવે છે પણ કોઇ કામ થતાં નથી. વધુમાં તેમણે એએમસી પર ભેદભાવનો પણ આરોપ લગાવ્યો છે અને કહ્યું કે દર બજેટની જેમ આ વખતે પણ પૂર્વ અમદાવાદ સામે પશ્ચિમ અમદાવાદમાં વિકાસના વધારે કામો રાખવામાં આવ્યાં છે.