અમદાવાદમાં આજથી બજરંગ દળની 2 દિવસીય રાષ્ટ્રીય બેઠકની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સંગઠનાત્મક અને દેશમાં ચાલી રહેલા વર્તમાન મુદ્દાઓ પર વિચાર અને ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં રાષ્ટ્રીય બજરંગ દળના વિસ્તરણ પર મંથન કરવામાં આવશે, તો બેઠકના અંતિમ દિવસે એક ઠરાવ પણ પસાર કરવામાં આવશે.
દેશની મોટી સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદને આગામી સમયમાં 60 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે VHP ભગિની સંસ્થા અને હિંદુત્વના મુદ્દે કાર્યરત બજરંગ દળની 2 દિવસીય રાષ્ટ્રીય બેઠક અમદાવાદ ખાતે શરૂ થઈ છે. આ 2 દિવસીય બેઠકમાં ભાગ લેવા બજરંગ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ ડોનેરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ બહારના રાજ્યમાંથી આવેલ 200થી વધુ પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. લવજેહાદ, ધર્માન્તરણ, ઘૂસણખોરી તેમજ દેશની વર્તમાન રાજકીય અને સામાજિક સ્થિતિ પર ચર્ચા કરવામાં માટે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉપરાંત આવનાર સમયમાં દેશમાં ત્રિશૂલ દીક્ષા અને બજરંગ દળના વિસ્તરણ સાથે વધુમાં વધુ યુવાનો જોડાય તે બાબતે સંગઠન કેવી રીતે મજબૂત કરવું તે મુદ્દે મંથન કરવામાં આવશે. તો બીજી તરફ, બેઠકના અંતિમ દિવસે રાજકીય અને સામાજિક ઠરાવ પસાર કરવામાં આવશે.