-
બોપલ વિસ્તારમાં આવેલ ઈસ્કોન પ્લેટિનમની ઘટના
-
ઈસ્કોન પ્લેટિનમમાં રાત્રિના સમયે ફાટી નીકળી આગ
-
M વિંગના 8મા માળે ઇલેક્ટ્રીક ડકમાં લાગી હતી આગ
-
આગની ઘટનામાં એક મહિલાનું મોત, 22 સારવાર હેઠળ
-
50થી વધુ ફાયર જવાનોએ આગ ઉપર કાબૂ મેળવ્યો
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલ ઈસ્કોન પ્લેટિનમમાં ગત શુક્રવારે રાત્રિના લાગેલી આગની ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું, જ્યારે 22 જેટલા લોકોને ગૂંગળામણ થતાં સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં વકીલ સાહેબ બ્રિજ નજીક આવેલ ઈસ્કોન પ્લેટિનમમાં M વિંગના 8મા માળે ઇલેક્ટ્રીક ડકમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યા બાદ જોતજોતામાં આગ 22મા માળ સુધી પ્રસરી હતી. આગના પગલે સોસાયટીમાં દોડધામ મચી જવા પામી હતી. રહેણાક બિલ્ડિંગ હોવાથી 200થી વધુ લોકો ફસાયા હતા. બનાવની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર સહિત 50થી વધુ ફાયર જવાનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, ત્યારે કલાકોની ભારે જહેમત બાદ સમગ્ર આગ પર કાબૂ મેળવાયો હતો. આ ઘટનામાં બિલ્ડિંગમાં ફસાયાલે લોકોને સહી સલામત રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. આગના ધુમાડાના કારણે ગૂંગળામણ થતા 23 લોકોને સરસ્વતી, ઝાયડસ, એપેક્ષ અને સિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મીનાબેન શાહનું મોત નિપજ્યું છે, જ્યારે 22 લોકો હજી પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.