ભાજપ દ્વારા અમદાવાદની ઘાટલોડિયા બેઠક માટે લેવાયેલ સેન્સમાં માત્ર એક જ નામ સામે આવ્યું છે અને એ નામ છે વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ. ભાજપના આગેવાનો દ્વારા સર્વસંમતિથી ભુપેન્દ્ર પટેલને ટિકિટ આપવા રજૂઆત કરી હતી
ભાજપ દ્વારા આજથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠકમાં એક જ નામ સામે આવ્યું છે. સેન્સ પ્રક્રિયામાં મુખ્યમંત્રીની સીટ પર અન્ય કોઈ દાવેદાર નથી.ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર સેન્સ પ્રક્રિયામાં તમામ નેતાઓએ એક સ્વરે ભૂપેન્દ્ર પટેલનું જ નામ આગળ ધર્યું હતું. તમામ નેતાઓએ ભૂપેન્દ્ર પટેલના નામનો સર્વાનુમતે પ્રસ્તાવ મુક્યો.બીજી બાજુ અમદાવાદની સાબરમતી વિધાનસભા માટેની પણ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.
શહેરની સાબરમતી બેઠક માટે 15 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. જેમાં ગાંધીનગર લોકસભા ઇન્ચાર્જ હર્ષદ પટેલ દાવેદારી નોંધાવી છે. ધારાસભ્ય અરવિંદ પટેલ અને કોર્પોરેટર દશરથ પટેલે પણ દાવેદારી નોંધાવી છે. આ સિવાય ઉમેશ પટેલ અને ડૉ. એન.જે.શાહે પણ દાવેદારી નોંધાવી છે ભાજપ સેન્સ પ્રક્રિયા કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે અમદાવાદની વેજલપુર વિધાનસભા માટે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું નામ આગળ રહ્યું છે તો AMC નેતા હિતેશ બારોટ અને અમિત ઠાકરના નામની પણ ચર્ચા ચાલી રહી છે. જ્યારે ચાલુ ધારાસભ્ય કિશોર ચૌહાણે પણ આ બેઠક માટે દાવેદારી નોંધાવી છે.