Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રૂ. 6 હજારની છેતરપિંડીની તપાસ કરતા આંકડો 50 કરોડને પાર થતાં પોલીસ પણ ચોંકી ઉઠી

ઓનલાઇન એપ્લિકેશનથી થતી છેતરપિંડીનો પર્દાફાશ, સાયબર ક્રાઇમ બ્રાન્ચે ભેજાબાજ શખ્સોની કરી ધરપકડ.

X

અમદાવાદ 6 હજાર રૂપિયાની છેતરપિંડીની અરજી અંગે તપાસ કરતા સાયબર ક્રાઇમે ઓનલાઇન એપ્લિકેશન થકી થતી 50 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ચાઇનીઝ એપ્લિકેશન મારફતે અલગ અલગ મોડસ ઓપરેન્ડીના આધારે લોકો પાસેથી રૂપિયા પડાવતી ગેંગ ઝડપાય છે. જોકે, પોલીસે આ કૌભાંડ રાજ્યવ્યાપી હોવાનો પણ અંદેશો દર્શાવ્યો છે.

અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી ચાઇનીઝ એપ્લિકેશનમાં રોકાણ કરાવીને રૂપિયા પડાવતી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમમાં આ પ્રકારે રૂપિયા 6 હજારની છેતરપિંડી થઈ હોવાની અરજી આવી હતી. જોકે, તપાસ કરતા છેતરપિંડીનો આંકડો રૂપિયા 50 કરોડ સુધી પહોંચ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમો થકી લોકોને ફસાવવામાં આવતા હતા. તો સાથે જ રોકાણ સામે તગડું બોનસ આપવાની લાલચ પણ આપવામાં આવતી હતી.

પોલીસ તપાસમાં આ ગેંગના આરોપીઓ સૌ પ્રથમ યુ ટ્યુબ ચેનલ, ટેલીગ્રામ તેમજ લોકોના મોબાઈલ પર ટેક્સ મેસેજ કરીને લિંક મોકલી, જે લીંક ઓપન કરતા જે તે એપ્લિકેશન ઓપન થાય છે. જેમાં ગ્રાહકોને અલગ અલગ બહાના હેઠળ રોકાણ કરવા સાથે તગડું બોનસ આપવાની લાલચ આપતા હતા. જો કોઈ ગ્રાહક રોકાણ કરે તો એપ્લિકેશન વેબસાઈટના વૉલેટમાં બેલેન્સ બતાવતા હોય છે.

ગ્રાહક દ્વારા રૂપિયા ઉપાડવાનો પ્રયત્ન કરવામાં આવે તો ટેકનિકલી એરર આવી જતી હોય છે. જો કોઈ ગ્રાહક વારંવાર પ્રયત્ન કરે તો એપ્લિકેશન બંધ કરી દેતા હતા. પોલીસે આ ગુન્હાના 7 આરોપી યાસીન કુરેશી, દિલીપ ગોજીયા, ધર્મેન્દ્રસિંહ રાઠોડ, રાહુલ વાઢેર, જયેશ ગાગિયા અને તુષાર ઘેટિયાની અગાઉ ધરપકડ કરી હતી, જ્યારે તપાસ દરમ્યાન મહારાષ્ટ્રના જીતેન શાહનું નામ સામે આવ્યું હતું. જેની કંપની અને બેંક એકાઉન્ટમાં 3 મહિનામાં 30 કરોડ રૂપિયા જમા થયા હતા.

આ રીતે અન્ય આરોપીના એકાઉન્ટમાં પણ 20 કરોડ રૂપિયા જમા થયા હતા. પોલીસ તપાસ માં બહાર આવ્યું છે કે, આ સમગ્ર નેટવર્ક મૂળ ભારતીય વ્યક્તિ ચાઇના બેઠા બેઠા ચલાવતો હતો. જે સોશિયલ મીડિયા મારફતે લોકોનો સંપર્ક કરતો હતો. મોટા ભાગના રૂપિયા બિટકોઈનમાં રોકાણ કરવામાં આવતા હતા. જોકે, આ અગાઉ પણ એપ્લિકેશન થકી થતી છેતરપિંડીમાં લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા હોવાનું સાયબર ક્રાઇમની તપાસમાં બહાર આવ્યું છે.

Next Story