Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રાજપૂત કરણી સેનાની બેઠક મળી, પડતર માંગોને લઈને ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શનની ચીમકી

રાજપૂત સમાજ દ્વારા પડતર માંગોને લઈને વિરોધ, રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે યોજી બેઠક

X

રાજપૂત સમાજની પડતર માંગોને લઈને અમદાવાદમાં કરણી સેના દ્વારા પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો રાજપૂત સમાજની માંગો પુરી નહીં થાય તો આગામી તા. 16 ઓક્ટોમ્બરના રોજ ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

રાજ્યમાં ચૂંટણી પહેલા રાજપૂત સમાજ કરણીસેના પોતાના અધિકાર માટે મેદાનમાં આવી છે. રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણીએ અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં સમાજને દરેક પક્ષ સંતોષકારક પ્રતિનિધિત્વ આપે તેવી માંગણી કરી હતી. આ ઉપરાંત ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રતિમા નવા બનતા સંસદ ભવનમાં મૂકીને તેમના ત્યાગનું યથોચિત સન્માન કરવાની માંગ ક્ષત્રિય સમાજ દ્વારા કરાઈ છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના પ્રતિનિધિત્વની માંગ કરવામાં આવી છે, અને જે ક્ષત્રિય સમાજની માંગણી સંતોષશે તેને જ સમાજ વોટ આપશે તેવું મહિપાલસિંહએ જણાવ્યું હતું. આ ઉપરાંત જો માંગણી નહીં સંતોષાય તો આગામી તા. 16 ઓક્ટોમ્બરના રોજ ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

કરણી સેનાના ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં સંગઠનને મજબૂત કરવાની મહિપાલસિંહ દ્વારા જાહેરાત કરાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા તેમજ કરણી સેનાના પ્રદેશ આગેવાનો ભરત કાઠી, દોલુભા જાડેજા તેમજ કૃષ્ણસિંહ જાડેજા સહિત કરણી સેનાના પ્રદેશ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story