અમદાવાદ : સાબરમતી નદીનું "કદરૂપુ" સ્વરૂપ, સફાઇના નામે મીંડુ, ગંદકીની ભરમાર

સાબરમતીમાં નદીમાં ઠેર ઠેર ઉગી નીકળેલી વનસ્પતિઓના કારણે નદી ઉપર લીલા રંગની ચાદર પાથરી હોય તેમ લાગી રહયું છે..

New Update
અમદાવાદ : સાબરમતી નદીનું "કદરૂપુ" સ્વરૂપ, સફાઇના નામે મીંડુ, ગંદકીની ભરમાર

અમદાવાદની સાબરમતી નદીની સફાઇ તથા આસપાસના વિસ્તારોના વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો હોવા છતાં નદીમાં ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. નદીમાં ઠેર ઠેર ઉગી નીકળેલી વનસ્પતિઓના કારણે નદી ઉપર લીલા રંગની ચાદર પાથરી હોય તેમ લાગી રહયું છે.....

અમદાવાદની ઓળખ ગણાતી સાબરમતી નદીમાં રેલવે ઓવરબ્રિજથી ડફનાળા સુધી નદીમાં લીલનું સામ્રાજય જોવા મળી રહયું છે. સાબરમતી નદીની સફાઇ અને આસપાસના વિસ્તારોના વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાય રહયો છે. સાબરમતી નદીનો રીવર ફ્રન્ટ શહેરીજનો તથા સહેલાણીઓ માટે આર્કષણનું કેન્દ્ર બન્યો છે. રોજના લાખો લોકો સાબરમતી નદી અને રીવરફ્રન્ટ જોવા માટે આવતાં હોય છે. સફાઇના અભાવે સાબરમતી નદી ગટરગંગા બની હોય તેમ લાગી રહયું છે. નદીમાં ઠેર ઠેર વનસ્પતિ ઉગી નીકળી હોવાના કારણે સાબરમતી નદી ગંદી- ગોબરી લાગી રહી છે.... તાજેતરમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ પણ તેમના ટવીટર પર સાબરમતી નદીની તસવીર ટવીટ કરી પ્રોજેકટ સામે સવાલો ઉઠાવ્યાં છે.....

સાબરમતી નદી ગંદી-ગોબરી હોવાની તસવીરો વાયરલ થતાંની સાથે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અધિકારીઓને ખબર પડી કે નદીની આવી હાલત છે જેથી તાત્કાલિક ધોરણે નદીમાં સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

સાબરમતી નદીની સફાઇની વાત કરવામાં આવે તો તારીખ 1 થી 19 ઓક્ટોબર સુધીમાં નદીમાંથી કુલ 377 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં 40 થી વધારે મજૂરો દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ હાલમાં સાબરમતી નદીમાં પાણીનું સ્તર ઓછું હોવાથી સુભાષ બ્રિજ પાસે બનાવેલ રેમ્પ નજીક સ્કીમર મશીન જઈ શકતું નથી. જેના કારણે કચરાને ખાલી કરવા માટે સરદારબ્રિજ પાસેના રેમ્પ પર જવું પડે છે. કામગીરીનું સ્થળ અને કચરાના નિકાલના સ્થળ વચ્ચે ખુબ જ અંતર હોવાથી હાલના તબક્કામાં સદર જગ્યાએ મેન્યુઅલી તથા તરાપા વડે નદીની સાફ સફાઈની ઝુંબેશ પૂરજોશમાં ચાલુ છે.

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં નદીના ભાગમાં ઉપરવાસમાંથી સતત ગ્રીન વેસ્ટ તેમજ ફ્લોટિંગ વેસ્ટ આવતા રહે છે. જેના નિકાલ માટેની કામગીરી શરૂ કરાઇ છે. હજી પણ નદીમાંથી લીલી વનસ્પતિના નિકાલની કામગીરી સતત ચાલુ છે પણ અહીં કામ કરનાર લોકોનું કહેવું છે કે ક્યારે સફાઈ અભિયાન પૂર્ણ થશે તે કેહવું મુશ્કેલ છે કારણ કે પવનની દિશા જેમ બદલાઈ તેમ આ વનસ્પતિ પણ પોતાની જગ્યા બદલે છે.

Latest Stories