Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : છેલ્લા 2 વર્ષથી સી-પ્લેનની સેવા ખોરંભે ચઢી, અટલબ્રિજના કાચમાં પણ તિરાડો પડી..!

મેઇન્ટેનન્સના નામે સી-પ્લેનની સેવા 2 વર્ષથી બંધ, લોકપ્રિય બનેલા અટલ બ્રિજના કાચમાં તિરાડો.

X

અમદાવાદીઓ સહિત રાજ્યના લોકો માટે અમદાવાદ શહેરના રિવર ફ્રન્ટ ખાતે શરૂ કરાયેલ મનોરંજનની સેવાઓ ખોરંભે ચઢી હોય તેવો ઘાટ ઘડાયો છે. મેઇન્ટેનન્સના નામે સી-પ્લેનની સેવા છેલ્લા 2 વર્ષથી બંધ પડી છે, જ્યારે લોકપ્રિય બનેલા અટલ બ્રિજના કાચમાં પણ તિરાડો પડતાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

અમદાવાદીઓ સહિત રાજ્યના લોકો વિદેશના લોકોની જેમ સી-પ્લેન સફર માણી શકે તે માટે 31 ઓક્ટોબર 2020થી સી-પ્લેન સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની સેવા શરૂ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સાબરમતી રિવરફ્રન્ટના સહયોગથી શરૂ કરવામાં આવેલા આ સી-પ્લેન પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને દુબઈથી સી-પ્લેન ખાસ મગાવ્યું હતું.

સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટથી પ્લેનમાં બેસીને કેવડિયા ગયા હતા. ત્યારથી સી-પ્લેનની શરૂઆત થયા બાદ માત્ર એક જ મહિનામાં એના મેઇન્ટેનન્સના નામે થોડા સમય માટે બંધ કરવું પડ્યું હતું, અને આજે છેલ્લાં 2 વર્ષથી એની સેવા બંધ હાલતમાં જોવા મળે છે.

તો બીજી તરફ, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ફરવા માટે લોકપ્રિય બનેલા અટલ ફૂટબ્રિજના ઉદઘાટનના 7 મહિનામાં જ લગાવવામાં આવેલા આકર્ષક 4 કાચમાંથી એક કાચમાં તિરાડો પડી ગઈ હતી. રૂ. 74 કરોડના ખર્ચે બનેલા અટલ ફૂટ ઓવરબ્રિજમાં માત્ર 7 મહિનામાં જ તિરાડો પડતાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા હતા.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધિકારીએ પોતાનો લૂલો બચાવ ગરમીના લીધે આ કાચ પર તિરાડો પડી હોવાનું કારણ આગળ ધર્યું હતું. જોકે અટલ ફૂટ ઓવરબ્રિજ ઉપર એકસાથે ખૂબ જ વધારે મુલાકાતીઓ આવતા હોવાથી બ્રિજને ક્યારેક બંધ કરવાની પરિસ્થિતિ પણ ઊભી થાય છે, જેના કારણે આ કાચમાં પણ તિરાડો પડી હતી. બ્રિજમાં તિરાડો પડી જતાં હવે લોખંડની ગ્રિલ લગાવી દેવામાં આવી છે.

Next Story