Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : દેશમાં સૌપ્રથમ વાર શરૂ થયેલી સી-પ્લેન સેવા ખોરંભાઈ, મેઇન્ટેનન્સ માટે ગયેલું સી-પ્લેન ક્યાં અટવાયું..?

અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટથી નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરળતાથી પહોંચવા માટે સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી.

X

અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટથી નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરળતાથી પહોંચવા માટે સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. જોકે, સી-પ્લેનને મેઇન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું હતું, જે બાદ સી-પ્લેન પરત ફર્યું નથી, ત્યારે આ સેવા હવે ફરી ક્યારે શરૂ થશે તેની રાહ જોવાય રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન સી-પ્લેન સેવાને અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટથી નર્મદા જિલ્લાના કેવડિયા વચ્ચે શરૂ કરવામાં આવી હતી, ત્યારે હાલ તો આ સી-પ્લેન સેવા હવે બંધ થવાના આરે છે. આ પ્રોજેક્ટમાં આવક કરતાં ખર્ચ વધારે થતો હોવાથી કોઈપણ એજન્સી આ પ્રોજેક્ટને આગળ ધપાવવા તૈયાર નથી. ઉપરાંત સી-પ્લેનમાં ખરાબી આવવાથી મેઇન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું હતું, જે બાદ સી-પ્લેન પરત ફર્યું નથી. આ સેવા ફરી ક્યારે શરૂ થશે એ અંગે પણ હજુ કોઈ સત્તાવાર માહિતી નથી. સી-પ્લેન સેવા કાર્યરત કરવા પાછળ અત્યાર સુધીમાં 7.77 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાની વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે માહિતી આપી છે.

આ સી-પ્લેન સેવા લગભગ 1 વર્ષથી કાર્યરત નહીં હોવાનું પણ રાજ્ય સરકારે જણાવ્યું છે. સી-પ્લેન સેવા ગત ઑક્ટોબર 2020માં ખૂબ ધામધૂમથી શરૂ કરવામાં આવી હતી. જે ઑપરેટર દ્વારા એપ્રિલ 2021થી બંધ કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદીએ પ્રશ્નકાળ દરમ્યાન જણાવ્યું હતું કે, સી-પ્લેન સેવાનો પુનઃ પ્રારંભ કરવા માટે, વહીવટી તંત્રે નવા ઓપરેટરો અંગે ટેન્ડર ફ્લોટ કરવાની પ્રક્રિયા પહેલેથી જ શરૂ કરી દીધી છે. દેશમાં સૌપ્રથમ સી-પ્લેન સેવા પ્રારંભ કરવાનું ગૌરવ ગુજરાત ચોક્કસથી લઈ શકે છે, પરંતુ આ સેવાના પ્રારંભ બાદ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની સી-પ્લેન સેવા હવે ભવિષ્યમાં શરૂ થશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે.

Next Story