અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલ સહિત અન્ય હોદ્દેદારો આજરોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા જેઓનું આપના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ પાર્ટીઓ છોડી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આપના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી ધારણ કર્યો હતો. ચેતન રાવલે આપમાં જોડાયા બાદ જણાવ્યું હતું કે ગુજરાતમાં મોંઘવારી, શિક્ષણ પ્રશ્નોને વાચા આપવામાં ભાજપ નિષ્ફળ ગયો છે. કોંગ્રેસ આ બાબતોને લઇ પ્રજા વચ્ચે જઈ પરિણામ આપી શકી નથી. અરવિંદ કેજરીવાલના કામ બે રાજયોમાં જોયા. લોકોના કામ અને અભિગમને પરિણામ મેળવવા માટે હું આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ. પ્રજા આ વખતે આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપશે.
આપના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે ગુજરાતના લોકો ભાજપના શાસનથી થાકી ગયા છે. કોંગ્રેસ પણ ભાજપની નબળાઈ ઉજાગર કરી શકી નથી. કોંગ્રેસના આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અને પૂર્વ પ્રદેશ મહામંત્રી ચેતન રાવલ, પૂર્વ મુખ્યમંત્રી છબીલ મહેતાના સુપત્રી નીતા મહેતા પણ જોડાયા છે. તેઓનું હું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું.