/connect-gujarat/media/post_banners/580058e033d42b21373ae8a1c047fe53439ee20c33341a2239bbd6181f86028d.webp)
સામાન્ય રીતે રીઢા ગુનેગારો ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાને અંજામ આપતા હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. પરંતુ શહેરના નરોડા વિસ્તારમાં એક એસઆરપી જવાન જ ચેઇન સ્નેચિંગ કરતાં ઝડપાયો છે. મહીલાની ચેઇન ખેંચી ને ભાગવા જતાં એસઆરપી જવાનને લોકોએ ઝડપી લીધો છે.નરોડા ગામમાં રહેતા હંસાબેન પ્રજાપતિ નામની મહિલા ગઇ કાલે સાંજના સવા પાંચ કે વાગ્યાની આસપાસ તેમના ઘરેથી ચાલતા રાજચંદ્ર સોસાયટી તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે સાડા પાંચ વાગ્યાની આસપાસ તેઓ નરોડા પોલીસ સ્ટેશનની પાછળ આવેલ રાજચંદ્ર સોસાયટીના ગેટ સામે રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન એક ઇસમ ચાલતો ચાલતો મોઢા પર રૂમાલ બાંધીને આવ્યો હતો.
અને અચાનક જ મહિલાના ગળામાંથી ચેઇન તોડીને ભાગવા ગયો હતો. જેથી મહીલાએ બુમાબુમ કરતા એક ટ્રાફિક પોલીસ જવાન મોટર સાયકલ લઈને આવ્યા હતા. અને તેમણે આરોપીની આગળ બાઈક ઉભી રાખતા તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી બે રાહદારીઓએ તેને ઝડપી લીધો હતો. પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેનું નામ અમિત પરમાર છે. જે મૂળ સાબરકાંઠાનો રહેવાસી છે. અને એસઆરપીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. જોકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. અને મહિલાની ફરિયાદ દાખલ કરીને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી નોકરીમાં ત્રણ દિવસની રજા મૂકીને ચેઇન સ્નેચિંગ માટે અમદાવાદ આવ્યો હતો. જો કે તેણે આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પોલીસ એ વધુ તપાસ શરૂ કરી છે.