એરપોર્ટથી ઘરે જતા દંપતી પાસેથી 60 હજારનો તોડ કરનાર પોલીસ સામે હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ થઈ છે. આ અંગે હાઇકોર્ટે અમદાવાદ CPને આંકડા સાથે રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. સોલામાં થયેલા તોડકાંડ બાદ હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી અમદાવાદ કમિશનરને આદેશ આપ્યા છે. કેટલા પોલીસ કર્મીઓ આ ગુનામાં જોડાયેલા છે તેની તમામ વિગત આપવા અમદાવાદ પોલીસ કમિશનરને કોર્ટે નિર્દેશ કર્યો છે. આ અંગે આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનાવણી થશે. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં રાત્રિ દરમિયાન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ત્યારે પોલીસે આ બાબતનો ફાયદો ઉઠાવીને એક દંપતી પાસેથી પૈસા પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. દંપતી એરપોર્ટથી ટેક્સીમાં ઘરે જઈ રહ્યું હતું. તેમને રોકીને તમે જાહેરનામાનો ભંગ કર્યો છે કહીં ગુનો ન નોંધવા બે લાખની માગણી કરી હતી. અંતે 60 હજાર આપવાનું નક્કી થતા પોલીસકર્મીઓ ટેક્સીમાં બેસી ગયા અને દંપતીમાંથી યુવકને પોલીસની ગાડીમાં બેસાડી ATMમાંથી પૈસા ઉપડાવ્યા અને તે પૈસા પડાવી લીધા હતા.