ગુજરાત એસઆઇટીએ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ સોગંદનામું રજૂ કરતાં સનસનીખેજ ખુલાસો થયો છે. કોર્ટમાં 12 પાનાના એફિડેવિટમાં સરકાર પાડવા માટે મોટું ષડયંત્ર રચ્યું હોવાનું બહાર આવ્યું છે. આ સોંગધનામામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય એહમદ પટેલનો પણ ઉલ્લેખ થતા ખળભળાટ મચી ગયો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ જે સોગંદનામું રજૂ કર્યું છે તેમાં, જણાવ્યા મુજબ તિસ્તા સેતલવાડે પોતાના આર્થિક લાભ માટે કોંગ્રેસના સિનિયર નેતા અને સ્વર્ગસ્થ અહેમદ પટેલ પાસે રૂપિયાની માંગણી તથા તેમની સાથે થયેલી બેઠકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખોટી રીતે સંડોવણી કરી હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ષડયંત્રને કારણે તિસ્તા સેતલવાડ, શ્રીકુમારને જામીન ન આપવા રજૂઆત કરવામાં આવી હતી. તિસ્તા સેતલવાડ નિવૃત્ત ડીજીપી આર.બી.શ્રીકુમાર અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પર 2002ના ગુજરાત રમખાણો સાથે જોડાયેલ કેસમાં બનાવટી પુરાવા અને કાવતરું ઘડવાનો આરોપ છે.
જોકે, આ સોગંદનામામાં વધુમાં જણાવાયું છે કે, તિસ્તા સેતલવાડે કથિત રીતે આ કાવતરાના ભાગરૂપે શરૂઆતથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું. કારણ કે, ગોધરા ટ્રેનની ઘટનાના થોડા દિવસો બાદ જ તેણે સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાથે મીટિંગ કરી હતી. જેમાં પ્રથમ વખત 5 લાખ રૂપિયા લીધા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાની સૂચના પર એક સાક્ષીએ તેમને પૈસા આપ્યા હતા. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવાયું છે કે, સ્વર્ગસ્થ અહેમદ પટેલ અને તિસ્તા સેતલવાડની ફરી મુલાકાત શાહીબાગ સ્થિત સરકારી સર્કિટ હાઉસમાં થઈ હતી. જેમાં તિસ્તા સેતલવાડને વધુ 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. તો બીજી તરફ આરોપીઓની મુશ્કેલી પણ વધી શકે છે. કારણ કે, હવે એસઆઈટી દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.