/connect-gujarat/media/post_banners/aae5d395ab5bc7f160febedb4634a83121731e8e2f5dca5343216ef97c3df8a7.jpg)
અમદાવાદમાં મળેલાં કપાયેલાં માનવ અંગોનું રહસ્ય આખરે ખુલી ગયું છે. માનવ અંગો એક દીકરાના છે અને તેને ફેંકનાર બીજું કોઈ નહીં પરંતુ મૃતકનો બાપ જ છે. આરોપીએ 21 વર્ષીય દીકરાને મોતને ઘાટ ઉતારીને ગ્રાઈન્ડરથી 6 ટુકડાં કરી નાંખ્યા હતા ત્યારબાદ બધું સગેવગે કરીને આરોપી બાપ વાયા ગોરખપુર નેપાળ ભાગવાની ફિરાકમાં હતો. તો દીકરાના વ્યસનને કારણે એક બાપ હત્યારો બની ગયો છે.
અમદાવાદમાં વાસણા અને એલિસબ્રિજ વિસ્તારના કલગી ચાર રસ્તા પાસેથી માનવ શરીરના અવશેષો મળ્યા હતા.અવશેષો મળતાં વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આંબાવાડીમાં રહેતા નિલેશ જોશીએ જ પોતાના પુત્રની હત્યા કરી ટુકડા કરી નાખ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની 2 ટીમ આ કેસમાં તપાસ કરી રહી હતી. આરોપીનું નામ સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે આરોપી એસ.ટી બસમાં બેસીને સુરત ગયો હતો અને સુરતથી અવધ એક્સપ્રેસમાં બેસીને ગોરખપુર જવા રવાના થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી RPFની મદદથી રાજસ્થાનના સવાઇ માધવપુર જિલ્લાના ગંગાપુર રેલ્વે સ્ટેશન પરથી આરોપી નિલેશ જોશીને પોલીસે ઝડપી પાડ્યો હતો.આરોપી નિલેશ જોશી 65 વર્ષીય નિવૃત સરકારી કર્મચારી છે. તે એસ.ટી.વિભાગમાં ફરજ બજાવતા હતા.આરોપીના પત્ની અને દીકરી જર્મની રહે છે. જ્યારે આરોપી તેમના 21 વર્ષના પુત્ર સ્વયંમ સાથે રહે છે.
આરોપીની પૂછપરછ કરતા ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું કે, નિલેશ જોશીનો પુત્ર સ્વયંમ 10 ધોરણ સુધી ભણેલો છે. સ્વયંમ કોઈ કામ ધંધો કરતો ન હતો અને નશાના રવાડે ચઢી ગયો હતો. સ્વયંમ દારૂ તથા અન્ય નશીલા પદાર્થોનું સેવન કરતો હતો, જેને લઈને પિતા-પુત્ર વચ્ચે અનેક વખત ઝઘડા થતા હતા.18 જુલાઈના વહેલી સવારે 5 વાગે સ્વયંમ નશાની હાલતમાં પિતા પાસે આવ્યો હતો અને પૈસા માંગવા પિતાને જ બીભત્સ ગાળો બોલીને ઘરમાં તિજોરીનો કાચ તોડી નાખ્યો હતો. આ ઝઘડા દરમિયાન સ્વયંમે તેના પિતાને પાવડાના લાકડાના હાથ વડે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ નિલેશ જોશીએ સ્વયંમને લાત મારીને પલંગ પર પાડી દીધો હતો. ત્યારબાદ સ્વયંમના માથામાં રસોડામાં રહેલાં પથ્થરની ખાંડણી લઈને 7-8 ઘા માર્યા હતા, જેમાં સ્વયંમનું મોત થયું હતું. લાશનો નિકાલ કરવા નિલેશ જોશી કાલુપુરથી ઇલેક્ટ્રિક ગ્રાઈન્ડર અને કાળા કલરની મોટી થેલી ખરીદીને લાવ્યો હતો. બાદમાં લાશ રસોડામાં લઈ જઈને દીકરાના માથાના, હાથ તથા પગને અલગ-અલગ કાપીને 6 ટુકડા કરી નાખ્યા હતા. આ ટુકડા કરીને તેને પ્લાસ્ટિકની બેગમાં ભરીને એક્ટિવા પર લઈ જઈને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. લાશનો નિકાલ કર્યા બાદ આરોપી સુરત ભાગી ગયો હતો. સુરતથી ગોરખપુર ટ્રેનમાં જવા રવાના થયો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને પકડીને અમદાવાદ લાવી છે. અમદાવાદ લાવી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.