અમદાવાદ : જુગારમાં પત્તાનો કંટ્રોલ સંચાલકના હાથમાં, કેટ સેન્સર ડિવાઇસ મળી આવતા પોલીસ પણ ચોંકી...
જુગારધામમાંથી પોલીસે રૂ. 9.20 લાખના મુદ્દામાલ સાથે 12 જુગારીઓની ધરપકડ કરી હતી. જોકે, સ્થળ પરથી જુગાર રમાડવા માટેનું ડિવાઇસ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ચાલતા જુગારધામમાંથી પોલીસે રૂ. 9.20 લાખના મુદ્દામાલ સાથે 12 જુગારીઓની ધરપકડ કરી હતી. જોકે, સ્થળ પરથી જુગાર રમાડવા માટેનું ડિવાઇસ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.
આજના સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરતાં વધુ દુરુપયોગ થઈ રહ્યા છે. પોલીસથી બચવા બુટલેગરો હવે, GPS અને જામરનો ઉપયોગ કરતા થઈ ગયાં છે, ત્યારે જુગાર રમવાની કેટમાં સેન્સર આવી ગયું છે. હા આ વાત બિલકુલ સાચી છે. હવે જુગાર રમવામાં પણ 100 ટકાનું જોખમ છે. જુગાર રમતા જુગારીઓનો તમામ કંટ્રોલ જુગાર રમાડનારના હાથમાં હોય છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જુગારધામ ચાલતું હતું, અને આ બાતમી અમદાવાદ PCBને મળતા અહીં મોડી રાત્રે રેડ કરવામાં આવી હતી.
ચાંદખેડા વિસ્તારમાં આવેલ શારદા પેટ્રોલ પંપની સામેના એપાર્ટમેન્ટમાં જુગાર રમાતો હતો, જ્યાંથી 12 જેટલા જુગારીઓ ઝડપાયા હતા. આ જુગારીઓ પાસેથી રોકડ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 9.20 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે પોલીસને એવું ડિવાઇસ મળ્યું હતું, જેણે ખુદ પોલીસ અને જુગાર રમતા જુગારીઓને પણ ચોંકાવી દીધા હતા. 500 રૂપિયા બંડલની અંદર બેટરી સંચાલિત ડિવાઇસ મુકવામાં આવ્યું હતું. જે નોટોને કાપીને અંદર ફીટ કરવામાં આવ્યું હતું.
બહારથી કોઈને પણ આ 500 રૂપિયાની નોટનું બંડલ જ દેખાતું હતું. પરંતુ આ ડિવાઇસ મોબાઇલ સાથે કનેક્ટ હતું. કેટના પાનાને આ ડિવાઈસથી સ્કેન કરવામાં આવતા હતા. ત્યારબાદ જ્યારે બાજી રમવામાં આવે ત્યારે જે વ્યક્તિ પત્તુ ઉપાડે. તે પત્તું કયું છે, તે જુગાર રમાડનાર કાનમાં ભરાવેલા ઈયર પ્લગમાં સંભળાતું હતું. જુગારી ગમે તે કરે પણ તેને જીતાડો કે, હરાવો એ તમામ કંટ્રોલ જુગાર રમાડનાર પાસે હતો. આ ચોંકાવનારી બાબત સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. PCBએ સ્થળ પરથી રૂ. 3.30 લાખ રોકડા, દાવ પર લાગેલ રોકડ રૂ. 25 હજાર, 90 હજાર મત્તાના 10 નંગ મોબાઈલ, 1 લાખ રૂપિયાનું કેટ સ્કેનર અને 10 લાખની મત્તાના વાહનો સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.