અમદાવાદમાં નિર્ભયા અમદાવાદ સીટી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા 220.11 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે.
ભારત સરકારના ગૃહ મંત્રાલય તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દેશના આઠ શહેરોમાં નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટની શરૂઆત કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદમાં પણ નિર્ભયા અમદાવાદ સીટી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા 220.11 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ મહિલા સામેના ગુનાઓમાં ઘટાડો થાય, જાહેર સ્થળ અને પરિવહનના સ્થળ પર મહિલાઓની સલામતી સુનિશ્ચિત થાય તે હેતુથી આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ટીગ્રેટેડ અને ઇન્ટેલિજન્ટ પોલીસ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 100 સીટીઝન પોર્ટલનો ડેટા તેમજ સોશિયલ મીડિયાનો ડેટા ઇન્ટિગ્રેટેડ થશે.આ ઉપરાંત સિક્યુરિટી સર્વેલન્સ માટે શહેરમાં સ્થાનિક પોલીસ દ્વારા અલગ અલગ 500 જેટલા હોટસ્પોટ નક્કી કરવામાં આવ્યા છે કે, જ્યાં મહિલાઓને લગતા બનાવો વધારે પ્રમાણમાં બની શકે છે. જેમાં 250 લોકેશન રિવરફ્રન્ટ પર અને 150 જેટલા લોકેશન શહેરના બસ સ્ટેન્ડ પર નક્કી કરવામાં આવ્યા છે.