ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ રામ મંદિર મુદ્દે વિવવાદિત નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મામલે ભાજપે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યુ હતું કે કોંગ્રેસની હિન્દુ વિરોધી માનસિકતા છતી થઈ રહી છે
ગુજરાતમાં ચૂંટણી પહેલા રાજકારણમાં હાલ ભારે ગરમાવો સર્જાયો છે ત્યાં કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકીએ રામ મંદિર અંગે નિવેદન આપતા વિવાદ સર્જાયો છે. પ્રદેશ કોંગ્રેસે ધોળકાના વટામણમાં વિશાળ ઓબીસી સંમેલનનું આયોજન કર્યુ હતુ. જેમાં અગ્રણી નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું છે કે, 'રામના નામે લોકોને છેતરવાનું કામ કર્યુ છે. રામ મંદિર માટે ભેગી કરેલી શિલાઓ પર શ્વાન પેશાબ કરતાં હતાં.' જોકે, આ નિવેદન બાદ આક્ષેપ અને પ્રત્યાક્ષેપ થઇ રહ્યા છે. વટામણમાં ભરતસિંહ સોલંકીએ વિવાદીત નિવેદન આપતા જણાવ્યુ છે કે, ભાજપે રામના નામે લોકોને છેતરવાનું કામ કર્યુ છે. રામ મંદિરના નામે પૈસા ઉઘરાવનારી પાર્ટી છે. રામ મંદિરના નામે ઘરે ઘરે જઇને પૈસા ઉઘરાવાતા હતા. મારી ભોળી બહેનો રામ મંદિરની ભેગી કરેલી શિલાઓને તિલક કરે, માથે મૂકે, શીલાને વાજતે ગાજતે ગામના પાદરે લઇ જઇને પાદરે મૂકી જાય. તેઓ મનમા વિચારતા કે હાંશ, હવે અમારું રામ મંદિર બંધાશે. પરંતુ એની પર શ્વાન પેશાબ કરતાં થઇ ગયા. વિચાર કરો જે રામને છેતરે તે આપણને છેતર્યા વગર રહે ખરા?
ભરતસિંહ સોલંકીના વિવાદિત નિવેદન મુદ્દે ભાજપે પલટવાર કર્યો છે અને ભાજપના પ્રવકતા યજ્ઞેશ દવેએ જણાવ્યું કે આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે આ કોંગ્રેસની હલકી માનસિકતા છે આ ભગવાન રામ વિષે અભદ્ર ટિપ્પણી છે.કોંગ્રેસની સરકાર સમયે કેમ રામ મંદિરનું નિર્માણ ના કર્યું જ્યારે સુપ્રીમ કોર્ટે પણ માર્ગ મોકળો કર્યો છે છતાં આવા નિવેદન આપી તેમણે ભારતીય સંસ્કૃતિના વિરોધમાં આ ટિપ્પણી કરી છે તો બીજીબાજુ કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર હાર્દિક પટેલે પણ ટ્વીટ કરી ભરતસિંહ સોલંકી પર પ્રહાર કર્યા હતા