Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : જુગારધામનો વિરોધ કરતાં માથાભારે ઇસમોએ કર્યો જીવલેણ હુમલો, સારવાર દરમ્યાન યુવકનું મોત

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલ ગાંધી વાસમાં ચાલતા જુગારધામનો વિરોધ કરતાં 6થી 7 લોકોએ યુવક પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો.

X

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલ ગાંધી વાસમાં ચાલતા જુગારધામનો વિરોધ કરતાં 6થી 7 લોકોએ યુવક પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. જેમાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગત તા. 8 માર્ચની મોડી રાત્રે સાબરમતી વિસ્તારના ગાંધી વાસમાં ચાલતા જુગારધામનો વિરોધ કરતાં અરવિંદ પરમાર નામના યુવક પર 6થી 7 લોકોએ પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. જે બનાવમાં ઇજાગ્રસ્ત અરવિંદ પરમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જે હુમલાના ગુનામાં સાબરમતી પોલીસે પિયુષ પરમાર, જયેશ પરમાર, સમીર, શેખર સહિત અન્ય 2 અજાણ્યા યુવક વિરુદ્ધ રાયોટિંગ, હુમલો અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને વહેલી તકે ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

જોકે, હત્યાના બનાવ બાદ પરિવારજનોએ પોલીસની કામગીરી પર આક્ષેપો કર્યા હતા કે, ઘટનાને 5 દિવસ વીતી ગયા છતાં એકપણ આરોપીની પોલીસે ધરપકડ કરી નથી. જે ઉપરાંત ફરાર આરોપીઓ જાહેરમાં જુગાર રમાડતા હતા, તેનો વિરોધ કરતા હત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. માથાભારે આરોપીઓ ફરાર હોવાથી મૃતકના પરિવાર અને સ્થાનિકો પર હુમલો કરે તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે, જ્યારે પોલીસની નિષ્ક્રિયતાથી આ હત્યા થઈ હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા 6 જેટલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, ત્યારે હવે પોલીસ કેટલા સમયમાં આરોપીઓને પકડી જેલના સળિયા પાછળ ધકેલે છે તે હવે જોવું રહ્યું...

Next Story