અમદાવાદના બોપલ ઘુમા રોડ ઉપર આવેલ દેવ રેસિડેન્સી નજીક સવારે પક્ષીને બચાવવા જતાં ફાયર કર્મચારી હાઈ ટેન્શન લાઇનને અડી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે ફાયર બ્રિગેડના અધિકારીઓ જાણ થતાં તાત્કાલિક તેઓ બોપલ ખાતે પહોંચ્યા હતા. હાઈ ટેન્શન વાયરની લાઈન બંધ કર્યા વગર કઈ રીતે ફાયરના કર્મચારી ત્યાં પહોંચીને કામ કરવા લાગ્યા તે અંગે હાલ તપાસ શરૂ કરી છે.
ફાયર બ્રિગેડના કર્મચારી મૃતક અનિલ પરમાર મૂળ સાણંદના રહેવાસી છે. તેઓના પરિવારમાં તેમની પત્ની અને એક નાનું બાળક છે. આ સમગ્ર ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ત્યાં હાજર ફાયર બ્રિગેડના સ્ટાફે દોરડા વડે તેઓને નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓને બચાવી શક્યા નહતા. ઘટના પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા સહિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.