કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગણતંત્ર દિવસ 2023ના અવસર પર ગુજરાતના 2 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 12 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ મેડલ એનાયત કરવાની જાહેરાત કરી છે.
રાષ્ટ્રપતિ મેડલ માટે ADGP અનુપમસિંહ ગેહલોત અને ATSના DSP કે.કે.પટેલની પસંદગી કરવામાં આવી છે, જ્યારે અન્ય 12 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પોલીસ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે. ગણતંત્ર દિવસ 2023ના અવસર પર કુલ 901 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. જેમાંથી 140ને પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PMG), 93ને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ (PPM) અને 668 ને પોલીસ મેડલ (PM) સન્માનિત સેવા માટે એનાયત કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે બુધવારે આ પુરસ્કારોના નામની જાહેરાત કરી હતી. ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાએ વીરતા પુરસ્કાર માટે પસંદ થયેલ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મીઓને અભિનંદન પાઠવીને તેમના સારા ભવિષ્યની કામના કરી છે. ગુજરાતના અનેક પોલીસ કર્મીને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. જેમાં હાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભાવેશ રોજીયાને પણ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે.