કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ભાજપના ચિતપુર વિધાનસભાના ઉમેદવાર મણીકાંત રાઠોડ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના પરિવારને મારી નાખવાની મળેલી ધમકીની ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ રહી છે, ત્યારે આજે અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે અમદાવાદ શહેર પોલીસ કમિશનરને રૂબરૂ મળી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા અરજી આપી હતી.