સમગ્ર ગુજરાતમાં ચર્ચિત કિશન ભરવાડ હત્યાની ઘટનાનું ATS દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ATSની ટીમે 2 આરોપીઓને સાથે રાખીને ધંધુકા કે, જ્યાં કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી, ત્યાં લઇ જઇને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ હતું.
ગત તા. 25 જાન્યુઆરીના રોજ આરોપી શબ્બીર ઉર્ફે સાબા ચોપડા અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણે ધંધુકામાં કિશન ભરવાડની હત્યાની ઘટનાને આંજામ આપ્યો હતો. આરોપી શબ્બીર ચોપડાએ ફાયરિંગ કર્યું હતું, જ્યારે ઈમ્તિયાઝ પઠાણ બાઇક ચલાવતો હતો. તા. 6 જાન્યુઆરીએ મૃતક કિશને ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ મુકી હતી. જેની તા. 9 જાન્યુઆરીએ ફરિયાદ સહિત કાર્યવાહી થઈ હતી. જોકે, ફેસબુક પરની પોસ્ટને ધ્યાનમાં રાખી આયોજનબદ્ધ રીતે હત્યા કિશનની કરવામાં આવી હતી.
આરોપી શબ્બીર કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે, ત્યારે ગુજરાત ATSના અધિકારીઓએ ફાયરીંગ કરનાર શબ્બીર ચોપડા અને બાઈક રાઈડર ઈમ્તિયાઝ પઠાણને સાથે રાખીને ધંધુકામાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તે ઉપરાંત ધંધુકાના મોઢવાળા દરવાજા પાસે થયેલા ફાયરીંગની હકીકત બાદ ATSના અધિકારીઓ ધંધુકા સ્થિત સર મુબારક દરગાહ પાસે પણ તપાસ કરશે. આરોપીએ હથિયાર અને બાઈક દરગાહ પાસે છુપાવ્યા હતાં. તે અંગે પણ હકીકત મેળવવા તપાસ હાથ ધરાશે, ત્યારે સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ માટે ગુજરાત ATSની 2 ટીમ ધંધુકા પહોચી છે.