વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે અમદાવાદ શહેરના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું PM મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે અમદાવાદ શહેરના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું PM મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે સુરત પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ અંદાજે રૂ. 19.17 કરોડના ખર્ચે 33 હજાર ચોરસ મીટરમાં સોલર ઊર્જાથી સંચાલિત સ્મશાનભૂમિનું લોકાર્પણ કર્યું હતું. સુરતમાં વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા બાદ PM મોદી ભાવનગર પહોંચ્યા હતા, જ્યાં તેમનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. વડાપ્રધાને ભાવનગરમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ PM મોદી અમદાવાદ ખાતે પહોચ્યા હતા, જ્યાં પીએમ મોદીએ હેલિકોપ્ટરમાંથી કેમેરામાં કેદ કરેલો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો.
PM મોદીએ અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત લાખો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, ત્યારે લોકોએ પણ આ અદ્ભુત ક્ષણને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. સમગ્ર ગુજરાતમાંથી 1 લાખ લોકો આ ભવ્ય ઉદઘાટન સમારોહમાં ભાગ લેવા માટે મોદી સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા હતા. આ અવસરે વિશેષ સાંસ્ક્રુતિક નૃત્યકૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી, ત્યારે "જય જય ગરવી ગુજરાત"ના નાદ સાથે સમગ્ર સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 36માં નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. દેશની યુવાશક્તિને વિવિધ રમતોમાં જુસ્સો આપવા બદલ સૌકોઈએ PM નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.