તાજેતરમાં જ નરેશ પટેલની દિલ્હીમાં પીએમ મોદી સાથેની મુલાકાત લઈને ગુજરાતના રાજકારણમાં અનેક અટકળો વહેતી થઈ હતી, ત્યારે હવે રાજકોટ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ગઈકાલે ચાર્ટર પ્લેનમાં અમદાવાદ આવતા એકવાર ફરી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અમદાવાદ આવતા ફરીવાર ચર્ચાઓને નવો વેગ મળ્યો છે. એમાં વળી નરેશ પટેલ સાથે રમેશ ટીલાળા પણ અમદાવાદ આવ્યા છે. મહત્વનું છે કે, રમેશ ટીલાળા ભાજપમાં રાજકોટ દક્ષિણ બેઠકની ટિકિટ માંગ કરી છે. જોકે, નરેશ પટેલે અમદાવાદમાં કોની સાથે મુલાકાત કરી, તે હાલ એક ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટની દક્ષિણ બેઠક હવે હાઈ પ્રોફાઇલ બની ગઇ છે. કારણ કે, રાજકોટની દક્ષિણ બેઠક માટે ખોડલધામે લોબિંગ શરૂ કર્યું છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ દાવેદારી કરી છે. નરેશ પટેલ અને રમેશ ટીલાળાએ ભાજપના મોવડી મંડળ સાથે મુલાકાત કરી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. ખાસ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદની મુલાકાત કરતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. રાજકોટની દક્ષિણ બેઠકમાં ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ લોબિંગ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો અગાઉ નરેશ પટેલ અને ખોડલધામના ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ રમેશ ટીલાળાએ PM મોદી સાથે મુલાકાત કરી હતી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી મળવા ગયેલા ખોડલધામના ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ રમેશ ટીલાળાએ દાવેદારી નોંધાવી છે. ટીલાળા રાજકોટની દક્ષિણ બેઠક પર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવા માંગે છે.