રામોલ વિસ્તારમાં અપહરણ અને લૂંટના ગુન્હાનો મામલો
ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરાય
ટ્રાન્ઝીસ્ટ વોરંટથી લઈ જતી વેળા આરોપીએ કર્યો હુમલો
પોલીસ અધિકારીની રિવોલ્વર છીનવવાનો પણ પ્રયાસ
2 રાઉન્ડ ફાયરિંગ થતાં ઇજાગ્રસ્ત આરોપી સારવાર હેઠળ
અમદાવાદમાં અપહરણ અને લૂંટના ગુન્હામાં ઝડપાયેલ 6 આરોપીઓને ટ્રાન્ઝીસ્ટ વોરંટથી લઈ જતી વેળા એક આરોપીએ પોલીસ અધિકારીની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ઝપાઝપીમાં 2 રાઉન્ડ ફાયરિંગ થતાં આરોપીને પગના ભાગે ઇજા પહોંચી હતી. જેના પગલે ઇજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકના અપહરણ અને રોકડ સહિત સોના-ચાંદીના દાગીના મળી રૂ. 53 લાખની લૂંટના ગુન્હામાં રામોલ પોલીસે રાજસ્થાનના કોટાથી સંગ્રામસિંહ સિકરવાર સહિત 6 શખ્સોની ધરપકડ કરી હતી. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા આ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે ટ્રાન્ઝીસ્ટ વોરંટથી રામોલથી આરોપીઓને લઈને ક્રાઇમ બ્રાન્ચ જઈ રહી હતી, તે દરમિયાન રીવરફ્રન્ટ નજીક અંધારાનો લાભ લઈને આરોપી સંગ્રામસિંહે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સહિતની ટીમ પર હુમલો કરી રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન ઝપાઝપી થતાં 2 રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું. જેમાં આરોપી સંગ્રામસિંહને પગના ભાગે ઇજા પહોંચી હતી.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ અંતે સંગ્રામસિંહને ઝડપી સમગ્ર ઘટનાની જાણ કરાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ક્રાઇમબ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો, જ્યાં ઇજાગ્રસ્ત સંગ્રામસિંહને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે આરોપી વિરુદ્ધમાં ક્રાઇમ બ્રાન્ચમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.