અમદાવાદ : બાપુનગર ફટાકડાના ગોડાઉનમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા…

આગ લાગતાં ફટાકડાની દુકાનો અને ગોડાઉનમાં કામ કરતા કારીગરો અને માલિકોમાં દોડધામ મચી ગઈ હતી.

Update: 2023-05-10 13:29 GMT

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના બાપુનગર ખાતે આવેલા ફટાકડા બજારમાં આજે ભરબપોરે ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અનિલ સ્ટાર્ચ મિલ રોડ પર આવેલ સંજયનગરના છાપરાની સામે વિકાસ એસ્ટેટના જય અંબે ટ્રેડર્સ નામના ફટાકડાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફટાકડાની ફેક્ટરીમાં ધડાકાભેર ફટાકડા ફૂટતાં આસપાસના રહીશોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. આગ લાગતાં ફટાકડાની દુકાનો અને ગોડાઉનમાં કામ કરતા કારીગરો અને માલિકોમાં દોડધામ મચી ગઈ હતી.

આ દુર્ઘટનામાં કુલ 7 લોકોને ઈજા થઈ છે, જેમાં 2 લોકોને ગંભીર ઇજા થતાં શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે 5 લોકોને સામાન્ય ઈજા થઈ છે. તો બીજી તરફ, ભીષણ આગના પગલે એકસાથે 25 દુકાન સળગી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે, દૂર સૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં જ અમદાવાદ ફાયરબ્રિગેડની તમામ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને મહામહેનતે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો, ત્યારે હાલ તો ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવી લીધો છે.

ત્યારબાદ ભીષણ આગના પગલે ફાયર ફાઇટરો દ્વારા કૂલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાનું ચોકક્કસ કારણ બહાર આવ્યું નથી, જોકે, શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Tags:    

Similar News