અમદાવાદ : વેકસીન લેવા લોકોને બુમો પાડી બોલાવનાર યુવાનનું કરાયું સન્માન, લોકોએ ઉડાવી હતી મજાક

Update: 2021-09-25 09:48 GMT

રીકશા અને અન્ય વાહનચાલકો જે રીતે મુસાફરોને બેસાડવા બુમો પાડતાં હોય છે તેવી રીતે અમદાવાદમાં લોકોને વેકસીન લેવા માટે બુમો પાડતાં યુવાનનો વિડીયો વાયરલ થયો હતો. આરોગ્યકર્મીની કર્તવ્યનિષ્ઠા ભલે સોશિયલ મિડીયામાં મજાકનું કેન્દ્ર બની હોય પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેને સન્માનિત કરી ઉત્સાહ વધાર્યો છે...

થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. જેમાં એક આરોગ્ય કર્મચારી રસ્તા પર ઉભો રહી બુમો પાડતો હતો અને રસીકરણ બાકી હોય તેમને રસી મુકાવવા માટે આમંત્રિત કરી રહ્યો હતો. આ યુવક છે જગદીશ શાહ. જગદીશનો વિડીયો વાયરલ થયા બાદ તેને અમુક લોકોએ ખુબ ટ્રોલ કર્યો હતો. જે રીતે વાહનચાલકો મુસાફરોને બેસાડવા બુમાબુમ કરતાં હોય છે તે સ્ટાઇલમાં જગદીશે લોકોને કોરોનાની વેકસીન બનાવવા અપીલ કરી હતી. તારીખ 17મીના રોજ દેશમાં કોરોનાની રસીનું મહા અભિયાન યોજવામાં આવ્યું હતું જે અંતર્ગત કરોડો દેશવાસીઓને વેકસીન મુકવામાં આવી છે. આ અભિયાનને સફળ બનાવવા માટે જગદીશ જેવા લાખો કર્મચારીઓનું યોગદાન છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરે જગદીશની કર્તવ્ય નિષ્ઠાને બિરદાવીને તેને સન્માનિત કર્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી વાયરલ વિડીયો સાથે ટ્વીટ કરવામાં આવ્યું છે કે,પોતાને સોંપવામાં આવેલી ફરજમાં એક ડગલું આગળ ચાલીને કામ કરવું એ AMCના દરેક કર્મચારીમાં જોવા મળે છે, જેમ કે અમારા હેલ્થ વોરિયર જગદીશ કુમાર શાહ, કે જેઓ રસીકરણ અભિયાનમાં કોરોના રસી લઈને લોકોને તેનો જીવ બચાવવા અપીલ કરી રહ્યાં છે.

Tags:    

Similar News