અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ : 14 વર્ષ બાદ આજે કોર્ટ આપી શકે છે મોટો ચુકાદો..!

વર્ષ 2008ની તા. 26 જુલાઇના દિવસે ધડાધડ બ્લાસ્ટથી અમદાવાદ શહેર ધ્રુજી ઉઠ્યું હતું.

Update: 2022-02-08 03:03 GMT

વર્ષ 2008ની તા. 26 જુલાઇના દિવસે ધડાધડ બ્લાસ્ટથી અમદાવાદ શહેર ધ્રુજી ઉઠ્યું હતું. બોમ્બ બ્લાસ્ટની આ ઘટના બાદ આજે 14 વર્ષ બાદ આ કેસમાં વિશેષ અદાલતના જજ એ.આર.પટેલ ચુકાદો આપી શકે તેમ છે.

અમદાવાદને ગણતરીની મિનિટોમાં જ લોહિયાળ કરનારી બોમ્બ બ્લાસ્ટની ઘટના ક્યારેય ભૂલી શકાય તેમ નથી. જે સિરિયલ બ્લાસ્ટના પડઘા હાલ પણ અમદાવાદમાં ગુંજી રહ્યા છે, ત્યારે આજે 14 વર્ષની કાયદાકીય અને લાંબી લડત બાદ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની સ્પેશિયલ કોર્ટ આજે આ મામલે ચુકાદો આપે તેવી સંભાવના છે.

વર્ષ 2008ની તા. 26 જુલાઇના રોજ 20 વિસ્તારમાં 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકોનાં મોત અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બોમ્બ બ્લાસ્ટના કેસમાં અમદાવાદમાં 20 એફઆઈઆર જ્યારે સુરતમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 99 આતંકવાદીને પ્રાથમિક તપાસમાં આરોપી ગણવામાં આવ્યા હતા. તે પૈકી 82 આતંકવાદીની ધરપકડ કરાઈ હતી, જ્યારે 8 આરોપી હજુ પણ ભાગેડુ છે. અમદાવાદ બોમ્બ બ્લાસ્ટમાં 3 મુખ્ય આરોપી યાસિન ભટકલ, રિયાઝ ભટકલ અને ઇકબાલ આતંકવાદીઓ પાકિસ્તાન નાસી ગયા હતા, જે પૈકી યાસિનની પછીથી ધરપકડ કરવામાં આવી હતી. કોરોનાના સમયમાં પણ ડે ટુ ડે કાર્યવાહી ચાલી હતી. મંગળવારે ચુકાદો હોવાથી અમદાવાદ પોલીસને સવારે 10 વાગ્યાથી સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે. અમદાવાદ બ્લાસની 14 વર્ષની કાયદાકીય લડતમાં પીડિત પરિવાર ન્યાયની આશા રાખીને બેઠો છે, ત્યારે અમદાવાદના અસરવામાં રહેતા વ્યાસ પરિવાર ચુકાદા અને ન્યાય પાલિકા પર આશા રાખીને બેઠો છે. સિવિલ બ્લાસ્ટમાં આ પરિવારે 8 વર્ષનો પોતાનો ભાઈ રોહન વ્યાસ અને પિતા દુષ્યંત વ્યાસને ગુમાવ્યા હતા, ત્યારે આજે 14 વર્ષ બાદ આ કેસમાં વિશેષ અદાલતના જજ એ.આર.પટેલ ચુકાદો આપી શકે તેવી પ્રબળ આશા પરિવારે બાંધી છે.

Tags:    

Similar News