અમદાવાદ : "એક કા ડબલ" કરી આપવાની લાલચ ભારે પડી, લોકો સાથે છેતરપિંડી આચરતા 3 શખ્સો ઝડપાયા

Update: 2022-07-18 15:32 GMT

અમદાવાદ શહેરમાં તાંત્રિક વિધિના બહાને એકના ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગના 3 સાગરીતોને SOG પોલીસે દબોચી લીધા છે. SOG પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ચેતન ચૌહાણ નામના વ્યક્તિને આરોપી અનવર બાપુએ રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી હતી. આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયા લઈને એક થેલો ફરિયાદીને આપ્યો હતો.

આરોપીઓ અલગ અલગ લોકોને રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપતા હતા. આરોપીઓ લોકોને પોતાના વિશ્વાસમાં લેવા અલગ અલગ વિડીયો બતાવતા હતા. એટલું જ નહીં, લોકોને ફસાવવા માટે તેઓ એજન્ટોની પણ નિમણૂંક કરતાં હતા. પોલીસને આરોપીઓ પાસેથી રોકડ રકમ અને કોરા કાગળના બંડલ મળી આવ્યા હતા. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અગાઉ સરખેજ પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ ત્રણેય આરોપીઓ ફરાર હતા. હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 9 લાખ રોકડ રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આરોપીઓએ કોની કોની સાથે છેતરપિંડી કરી છે, અને કેટલા લોકો ભોગ બન્યા છે તે દિશામાં પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.

Tags:    

Similar News