અમદાવાદ : શહેરમાં દોઢ મહિનાના વિરામ બાદ ફરી ટેસ્ટીંગ ડોમ શરૂ કરાયાં

કોરોનાના કેસ ઘટી જતાં ડોમ બંધ કરાયાં હતાં, પ્રથમ ચરણમાં 28 ટેસ્ટીંગ ડોમ કાર્યરત કરાશે.

Update: 2021-07-21 09:23 GMT

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી જતાં બંધ કરવામાં આવેલાં ટેસ્ટીંગ ડોમને ફરી શરૂ કરાયાં છે. ગુરૂવારથી 28 ટેસ્ટીંગ ડોમમાં રોજના 100 ટેસ્ટ કરવામાં આવશે જેમાં 50 રેપીડ અને 50 આરટીપીસીઆર ટેસ્ટનો સમાવેશ થવા જાય છે.

કોરોનાની ત્રીજી લહેરની આશંકા કહો કે પછી આગમચેતી... અમદાવાદ શહેરમાં કોરોના ટેસ્ટિંગ માટે ડોમ શરૂ કરવામાં આવી રહયાં છે. કોરોનાની બીજી લહેર શાંત પડી ગયાં બાદ આ ડોમ છેલ્લા દોઢ મહિના ઉપરાંતથી બંધ કરી દેવાયાં હતાં. હવે ડોમ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. અચાનક ટેસ્ટિંગ ડોમ શરૂ કરવામાં આવતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. જે દર્શાવે છે કે કંઈક અલગ રંધાઈ રહ્યું છે.તો બીજી બાજુ આ ટેસ્ટિંગ ડોમમાં લોકો કોરોના ટેસ્ટ પણ કરાવવા આવી રહયાં છે.

દાણાપીઠ મ્યુનિ. કચેરી, અંકુર, થલતેજ, પાલડી ટાગોર હોલ, ગોતા, કાંકરિયા, સાબરમતી, સહિતના કેટલાક સ્થળે ડોમ શરૂ કરવામાં આવ્યા છે. કોરોનાના કેસ ઘટી જતાં ટેસ્ટિંગ ડોમ બંધ કરી માત્ર અર્બન હેલ્થ સેન્ટર પર જ ટેસ્ટ કરવામાં આવતા હતા. રેપિડ એન્ટિજન કે પછી આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા ઇચ્છતા હોય તો તેમણે અર્બન હેલ્થ સેન્ટર પર જવું પડતું હતું.પણ ફરીવાર આ ડોમ કાર્યરત કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે. જ્યારે કોઈ દર્દીનું મોત થયું નથી. 25 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બીજી બાજુ સિવિલમાં હોસ્પિટલમાં કોરોનાના 18 અને મ્યુકર માઈકોસિસના 25 દર્દીઓ દાખલ છે. છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા ઘટી છે પણ ત્રીજી લહેરને આવતા રોકવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Tags:    

Similar News