IND vs PAK વચ્ચે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાશે હાઈ વોલ્ટેજ મેચ, શહેરભરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા...

ક્રિકેટ વર્લ્ડ કપનો ફીવર જામ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાનાર છે

Update: 2023-10-13 09:49 GMT

અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપનો ફીવર જામ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાનાર છે, ત્યારે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા શહેરભરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચનો જબરદસ્ત ફીવર જામ્યો છે. દેશ તેમજ દુનિયાભરમાંથી લોકો આ કટ્ટર હરીફ ટીમોની મેચ જોવા માટે પહોંચી રહ્યા છે. જોકે, મેચની ટિકિટ મળે કે ન મળે પણ લોકોના ઉત્સાહમાં કોઇ કમી નથી આવી. દુનિયાના સૌથી મોટા અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકો આવતીકાલે સૌથી લાંબી મેચની મજા માણશે. પ્રથમવાર કોઇ મેચમાં દર્શકો બપોરે 2 વાગ્યે શરૂ થનારી મેચમાં સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી લઇ શકશે, અને રાત્રે 10:30 કલાકે એટલે કે, લગભગ સાડા બાર કલાકથી વધુ સમય સ્ટેડિયમમાં રહેશે. આ સમય દરમિયાન 1 લાખ 30 હજારથી વધુ લોકો આ સ્ટેડિયમમાં ઉપલબ્ધ હશે. ખરેખર આ ઐતિહાસિક ઘટના છે, જ્યારે કોઇ મેચને જોવા માટે આટલી મોટી સંખ્યામાં દર્શકો સાડા બાર કલાક સુધી મેદાનમાં રહેશે. તો બીજી તરફ, ભારત-પાકિસ્તાનની મેચ પર આતંકવાદીઓનો ડોળો છે, તેવી વાતો વહેતી થઈ છે. ભારત-પાકિસ્તાનની મેચને લઇને ધમકીભર્યો ઇ-મેઇલ અને ઓડિયો ક્લિપ આવ્યા બાદ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા મહત્વના ઈનપુટ મળ્યા છે. જેના પગલે સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ કોઇપણ કચાશ છોડવા માગતી નથી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કોઈપણ હુમલાની સ્થિતિને પહોંચી વળવા NSGની એન્ટી ડ્રોન સહિત હિટ ટીમને તૈનાત કરવામાં આવી છે. આ હિટ ટીમ AK 47 અને MP5 રાઇફલ અને ઓટોમેટિક પિસ્તોલ સાથે સજ્જ રહેશે. આ ઉપરાંત શહેરભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા માટે પ્લાન રેડી કરી દેવામાં આવ્યો છે. જે માટે BSF, CRPF, સ્થાનિક પોલીસ, સિનિયર અને જુનિયર IPS કક્ષાના અધિકારીઓ મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઇન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થામાં જોતરાય ગયા છે.

Tags:    

Similar News