અંકલેશ્વર : નગરપાલિકા દ્વારા પ્રી-મોનસુન કામગીરી શરૂ, તો બજેટની રકમ પૂરેપુરી વપરાતી નહીં હોવાનો વિપક્ષે કર્યો આક્ષેપ

Update: 2020-05-29 11:26 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રી-મોનસુન કામગીરીના ભાગરૂપે ગટર નાળા તેમજ કાંસની સાફસફાઇ હાથ ધરવામાં આવી છે, ત્યારે પ્રી-મોનસુન કામગીરીના બજેટની રકમ પૂરેપુરી વપરાતી નહીં હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ વર્ષે ચોમાસુ વહેલું હોવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ચોમાસા દરમ્યાન અંકલેશ્વર શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ અનેક વાર સર્જાઈ ચૂકી છે, ત્યારે નગરપાલિકા દ્વારા પ્રી-મોનસુન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મંજૂર થયેલ બજેટ પ્રમાણે વરસાદી કાંસ તેમજ ખુલ્લી ગટરોને જેસીબી મશીનની મદદથી સાફ કરવામાં આવી રહી છે. ઉપરાંત નગરપાલિકા દ્વારા માર્ગ ઉપર નડતરરૂપ ઝાડને હટાવવા સહિત જર્જરિત મકાનોના માલિકને વહેલીતકે મકાનનું સમારકામ કરાવવા અંગે પણ નોટિસ પાઠવવામાં આવી છે.

તો બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકાના શાસકો દ્વારા પ્રી-મોનસુન કામગીરીમાં ગટર નાળા તેમજ કાંસની સાફસફાઇ બરાબર થતી નહીં હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પ્રી-મોનસુન કામગીરીમાં બજેટની રકમ પણ પૂરેપુરી નહીં વપરાતી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો. અંકલેશ્વર શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, ત્યારે હવે આ સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.

Similar News