અંકલેશ્વર : પાનોલી GIDCમાં આવેલ ટેકનો ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ઝેરી ગેસ લાગવાથી બે કામદારના મોત

Update: 2019-01-10 06:53 GMT

અંકલેશ્વરના પાનોલી ખાતે જીઆઇડીસીમાં આવેલ ટેકનો ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ કંપનીમાં રીએક્ટર સાફ કરતી વખતે ઝેરી ગેસ લીકેજ થયો હતો અને એની અસર કુલ પાંચ જેટલા કામદારોને થઈ હતી જેમાં બે કામદારો ને વધુ અસર થતાં તેમના મોત નિપજ્યાં છે.

પાનોલી જીઆઇડીસીમાં આવેલ ટેકનો ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ કંપનીમાં રીએક્ટરની સાફ સફાઈ કરી રહેલા વિજયસીંગ અને અનિલ સીંગને ઝેરી ગેસની અસર થતા સુનિલ તિવારી ,મોન્ટુ પ્રજાપતિ અને નારાયણ નામના કામદારો તેમને બચાવવા જતા તેઓને પણ ગેસ ની અસર થઇ હતી.

જોકે વિજયસીંગ અને અનિલસિંગને ઝેરી ગેસની ગંભીર અસરને કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જયારે બચાવવા પડેલ ૩ કામદારને પણ ગેસની અસર થતા તાત્કાલિક સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

આ ઘટનાની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી બન્ને મૃતક કામદારો નાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.જ્યારે ઘટનાને પગલે ભરૂચ ડેપ્યુટી સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા પણ ઘટના સ્થળની મુલાકાત લઈને કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી હતી.

ઉલ્લેખનીય છે કે રીએક્ટરની સાફસફાઈનું કામ કરી રહેલા કમભાગી કામદારોને જરૂરી સુરક્ષાને લગતા સાધનો પણ આપવામાં આવ્યા હતા કે નહિ તે પણ તપાસનો વિષય બન્યો છે.

 

 

Similar News