ભરૂચ : કોવીડ હોસ્પિટલોમાં 30 ટકા બેડ હાલ ખાલી, સ્થિતિની સમીક્ષા કરતું તંત્ર

Update: 2021-04-18 10:25 GMT

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ભરૂચ જિલ્લો રાજયમાં ત્રીજા સ્થાને આવી ગયો છે ત્યારે તંત્રની પણ દોડધામ વધી છે. રાજયના સહકાર પ્રધાન અને કલેકટરે તાકીદની બેઠક બોલાવી સ્થિતિની સમીક્ષા કરી હતી...

ભરૂચ જિલ્લામાં ગત વર્ષે એપ્રિલ મહિનામાં કોરોનાના પ્રથમ દર્દીઓ મળી આવ્યાં હતાં. અત્યારે એક વર્ષ બાદ ભરૂચ જિલ્લો કોરોનાથી સંક્રમિત દર્દીઓની યાદીમાં રાજયમાં ત્રીજા સ્થાને આવી ગયો છે. ખાસ કરીને છેલ્લા એક મહિનાથી કોરોનાના કારણે જિલ્લામાં ભયાવહ સ્થિતિ જોવા મળી રહી છે. કોરોનાના સંક્રમણને રોકવા નાઇટ કરફયુ અને સ્વયંભુ લોકડાઉન પણ લાગુ કરવામાં આવ્યાં હોવા છતાં દર્દીઓની સંખ્યા નિરંતર વધી રહી છે. ભરૂચની હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે જગ્યા પણ મળતી ન હોવાની ફરિયાદો ઉઠી છે. ભરૂચ સહિત સમગ્ર રાજયમાં કોરોનાને કારણે વકરતી જતી પરિસ્થિતિના કારણે સરકાર દોડતી થઇ છે અને સરકારે તંત્રને દોડતું કરી નાંખ્યું છે. ભરૂચમાં રાજયના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલ અને કલેકટર ડૉ.એમ.ડી.મોડીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક મળી હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહયાં હતાં. બેઠકમાં કલેકટર ડૉ. એમ.ડી. મોડીયાએ જણાવ્યુ હતું કે, કોરોનાના દર્દીઓને સ્થાનિક સ્તરે જ સારવાર મળી રહે તે માટે નવા બેડ ઉભા કરવામાં આવ્યાં છે. હાલ જિલ્લામાં 70 ટકા બેડ રોકાયેલાં છે જયારે 30 ટકા જેટલા ખાલી હાલતમાં છે. લોકોની આરોગ્યલક્ષી સુવિધાઓ વધારવા માટે કોવીડ કેર સેન્ટર પણ શરૂ કરી દેવાયાં છે.

Similar News