ભરૂચ : કોરોનાના સંક્રમણ વચ્ચે અડધો દિવસ દુકાનો ખુલ્લી રહી, બપોર પછી લોકડાઉન

Update: 2021-04-17 11:17 GMT

ભરૂચમાં વેપારી એસોસીએશને આપેલાં સ્વૈચ્છિક બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. બપોર બાદ વેપારીઓએ લોકડાઉનનો અમલ કર્યો હતો.

રાજયભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે ભરૂચમાં પણ કોરોના બેકાબૂ બની રહ્યો છે રોજના 150થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે અને નર્મદા નદીના કાનથી આવેલી સ્પેશિયલ કોવિડ સમશાનમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓની ચિતાઓ સતત સળગતી રહે છે. ભરૂચની બનતી ગંભીર પરિસ્થિતીના પગલે ગતરોજ શહેરના વેપારી મંડળની જિલ્લા કલેક્ટર ડો. એમ. ડી. મોડીયા સાથે મળેલી બેઠકમાં શનિ અને રવિવાર સ્વેચ્છિક લોકડાઉન રાખાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં આવશ્યક ચીજવસ્તુઓ અને મેડિકલ સ્ટોર્સ સિવાયની અન્ય દુકાનો બંધ રાખવા જણાવાયું હતું.

સ્વેચ્છિક લોકડાઉનને લઈ શહેરના બજારો કેટલીક દુકાનો બંધ તો કેટલીક દુકાનો ચાલુ જોવા મળી હતી આમ શહેરમાં સ્વેચ્છિક લોકડાઉનને મિશ્રપ્રતિસાદ મળ્યો હતો. ત્યારે બીજી તરફ ભરુચ શહેર સહિત ગ્રામીણ વિસ્તારમાં કોરોના પણ વકાર્યો છે અને આવામાં લોકો પણ હવે સતર્ક થાય તે અત્યંત જરૂરી બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લો કોરોનાના કેસની સંખ્યામાં રાજયમાં ત્રીજા નંબર પર આવી ગયો છે. કોરોનાનું સંક્રમણ વધી રહયું હોવાથી લોકોએ તથા વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરવો જ પડશે નહિતર હાલત બદતર બનતાં વાર નહિ લાગે.

Similar News