ભરૂચ : પતંગના ભાવમાં વધારો નહિ છતાં નથી ઘરાકી, જુઓ શું છે કારણ

Update: 2021-01-06 11:54 GMT

ભરૂચના કતોપોર બજાર અને બાવડી વિસ્તારમાં પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચલાવતાં પરિવારો હાલ મુશ્કેલીમાં મુકાય ગયાં છે. ગત વર્ષની સરખામણીએ પતંગના ભાવમાં વધારો નહિ હોવા છતાં કોરોનાના કારણે ઘરાકી નહિ નીકળતાં વેપારીઓ મુંઝવણમાં મુકાયાં છે.

Full View

ઉત્તરાયણ આવતાંની સાથે ભરૂચ શહેરના કતોપોર બજાર અને બાવડી વિસ્તારમાં પતંગ તથા દોરાના બજાર ધમધમતાં થઇ જાય છે. અવનવી પતંગો ખરીદવા તથા દોરા સુતાવા માટે લોકો ઉત્તરાયણના દિવસો પહેલાં જ ઘરોની બહાર નીકળી જતાં હોય છે. આ વર્ષે પતંગ તથા દોરીના બજારમાં નિરસ માહોલ જોવા મળી રહયો છે અને તેનું કારણ છે કોરોનાની મહામારી…. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે મોટા ભાગના તહેવારોની ઉજવણી મર્યાદીત કરી દેવામાં આવી છે. ઉત્તરાયણમાં પણ ધાબા પર 7 થી વધારે લોકો ભેગા ન થાય તેવી સુચના સરકારે આપી છે. કોરોનાના કહેરની અસર પતંગ બજારમાં વર્તાઇ રહી છે.

ભરૂચમાં બોમ્બે પતંગ માર્ટના નામથી એક પરિવાર છેલ્લા 60 વર્ષ ઉપરાંતથી પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચલાવે છે. દર વર્ષે કતોપોર બજારમાં ઉત્તરાયણના અંતિમ દિવસોમાં પગ મુકવાની જગ્યા રહેતી નથી તેવામાં બજારમાં કાગડા ઉડી રહયાં હોય તેમ લાગી રહયું છે. માર્ચ મહિનાથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યાં બાદથી પતંગ બનાવવા માટે વપરાતા કાચા માલની અછત વર્તાઇ રહી છે. વેપારીઓના જણાવ્યાં મુજબ પતંગોના ભાવમાં કોઇ વધારો નથી પણ કોરોનાની બીક અને સરકારની ગાઇડ લાઇનના કારણે બજારમાં ઓછી ઘરાકી છે. ઉત્તરાયણના આગલા દિવસે ઘરાકી નીકળે તેના પર અમારા ધંધાનો મદાર છે.

Tags:    

Similar News