ભરૂચ : શહેરમાં સ્વયંભુ “લોકડાઉન”, લોકોને સમજાવવા પોલીસ એકશનમાં

Update: 2020-03-23 09:25 GMT

ભરૂચ શહેરમાં કામ વગર ઘરની બહાર નીકળનારા લોકો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વેપારીઓએ સ્વયંભુ રીતે લોકડાઉન કરી દીધું છે. હજી પણ કેટલાક લોકો કામ વગર ઘરની બહાર નીકળી રહયાં હોવાથી પોલીસની ટીમો વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને સમજાવી રહી છે.

ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 29 સુધી પહોંચી ચુકી છે ત્યારે હવે લોકો એકબીજાના સંપર્કમાં ઓછા આવે તો જ વાયરસને ફેલાતો રોકી શકાય તેમ છે. ભરૂચ જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી હોવા છતાં પાંચ કરતાં વધારે લોકો એકત્ર થઇ રહયાં છે. રવિવારે જનતા કરફયુ બાદ સોમવારે ભરૂચ શહેરમાં વેપારીઓએ સ્વયંભુ લોકડાઉન રાખ્યું હતું. મોટાભાગની દુકાનો સોમવારના રોજ પણ બંધ રહી હતી. કોરોના વાયરસના પગલે વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત, ગાંધીનગર અને કચ્છમાં 25મી માર્ચ સુધી સંપુર્ણ લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે.

ભરૂચમાં રેડીમેડ ગારમેન્ટ તેમજ ફુટવેર એસોસીએશનને લોકડાઉનને સહયોગ આપી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હજી પણ લોકો ઘરોની બહાર નીકળી રહયાં હોવાથી પોલીસ એકશનમાં આવી છે. ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને કામ વગર ઘરની બહાર નહિ નીકળવા સમજાવી રહી છે. જો કોઇ કાયદો હાથમાં લેવાની કોશિશ કરશે તો તેની સામે કડક હાથે પગલા ભરવાની ચીમકી આપવામાં આવી છે. બુધવાર સુધી ભરૂચમાં પણ લોકડાઉનની સ્થિતિ રહેશે તેમ હાલના સંજોગો જોતા લાગી રહયું છે.

Similar News