ભરૂચ : પાલેજ નજીક ભૂખી ખાડી ઓવરફ્લો થતા અનેક ગામોમાં જળબંબાકાર, નેત્રંગના 3 ડેમમાં પણ ઓવરફ્લો

Update: 2020-08-20 08:16 GMT

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક ખાડી ઓવરફ્લો થતા કાંઠા વિસ્તારના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉપરાંત નેત્રંગ પંથકના વિવિધ ડેમમાં પણ પાણીની આવક થતાં સતત 4 દિવસથી ઓવરફ્લો થઈ રહ્યા છે.

ભરૂચ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી મેહૂલિયો મન મુકીને વરસ્યો હતો. જેના કારણે પાલેજ નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાં પાણીની આવક થતાં ઓવરફ્લો થઈ છે. પાલેજ પંથકના કાંઠા વિસ્તારના વિવિધ ગામોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા 5થી વધુ ગામોમાં લોકોને અવરજવર કરવી મુશ્કેલ બન્યું હતું. જોકે હવે વરસાદી પાણી વહેલી તકે ઓસરી જાય તેવી ગ્રામજનો રાહ જોઈને બેઠા છે.

તો બીજી તરફ ઉપરવાસમાં વરસેલા વરસાદના પગલે ભરૂચ જિલ્લાના નેત્રંગ નજીક વહેતા અનેક ધોધમાં પણ નવા નીરની ભારે આવક થવા પામી છે. નેત્રંગ પંથકના વિવિધ ડેમો સતત 4 દિવસથી ઓવરફ્લો થઈ રહ્યા છે. જેમાં ધોલી ડેમ 20 સે.મી., પિંગુટ ડેમ 29 સે.મી. અને બલદેવા ડેમ 10 સે.મી.ની જળ સપાટીએથી ઓવરફ્લો થઈ રહ્યો છે.

Similar News