વડોદરા : લોકસભા 2024ના ચૂંટણી મતદાન પ્રક્રિયાને લઇ જિલ્લા ચૂંટણી અધિકારીએ વિસ્તૃત માહિતી આપી

આવતીકાલે યોજાનાર લોકસભા 2024ના ચૂંટણી મતદાન પ્રક્રિયાને લઇ વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી.

Update: 2024-05-06 09:25 GMT

આવતીકાલે યોજાનાર લોકસભા 2024ના ચૂંટણી મતદાન પ્રક્રિયાને લઇ વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી.

લોકસભા 2024ની ચૂંટણી માટે આવતીકાલે સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, ત્યારે વડોદરા ખાતે પણ વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અને વડોદરા લોકસભા બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાશે. આ અંગે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી બી.જે.શાહએ પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી. વડોદરા બેઠક પર કુલ 26,46,246 મતદારો નોંધાયા છે, ત્યારે કુલ 2552 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આ સાથે જ મતદાન મથકો પર કુલ 13,240 કર્મચારીઓ ફરજ બજાવશે. ઉપરાંત મહિલા સંચાલિત 70 મતદાન મથકો તેમજ યુવા સંચાલિત કુલ 7 મતદાન મથકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 10 દિવ્યાંગ મતદાન મથકો તેમજ 3 મોડલ મતદાન મથકો તૈયાર કરાયા છે. વધુમાં મતદારોની ફરિયાદ માટે કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે.

જોકે, વડોદરા બેઠક પર કુલ 854 સંવેદનશીલ મતદાન મથકો છે, ત્યારે સંવેદનશીલ તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડોદરા પોલીસ કમિશ્નર નરસિંહા કોમરએ જણાવ્યુ હતું કે, વડોદરા પોલીસ કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. 1800 પોલીસ, 1700 હોમગાર્ડ, SRP અને 36 સેન્ટ્રલ આર્મડ ફોર્સ સેક્શન તૈનાત રહેશે. તો બીજી તરફ, હિટવેવને ધ્યાનમાં રાખી દરેક મતદાન મથક પર ખુરશી, પંખા, પાણી અને ટેન્ટ સહિતની વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, ત્યારે 100 ટકા મતદાન થાય તે માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

Tags:    

Similar News