ભરૂચ : સોન તલાવડીના સ્થાનિકો ગંદુ પાણી પીવા બન્યા મજબુર, રોગચાળાની ફેલાઈ દહેશત

Update: 2020-03-06 11:58 GMT

ભરૂચ શહેરના સોન તલાવડી વિસ્તાર નજીક પસાર થતી કાંસ જામ થઈ જવા પામી છે, ત્યારે નગરપાલિકા દ્વારા પીવાના પાણીની પાઇપલાઇન ત્યાજ નંખાતા સ્થાનિકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.

હંમેશા સ્વચ્છતાની ગુલબાંગો ફૂંકતી ભરૂચ નગરપાલિકા શહેરમાં સ્વચ્છતા હોવાના પોકળ દાવા તો કરે છે. પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત રહ્યું છે, ત્યારે શહેરના સોન તલાવડી વિસ્તારમાં ગટરનું પાણી લોકોના ઘરો તથા આસપાસના વિસ્તારમાં ભરાઈ રહેતા લોકો પાણીજન્ય રોગ તથા મલેરીયા જેવા રોગનો ભોગ બની રહ્યા છે.

આ વિસ્તારની કાંસમાંથી ગટરના પાણીનો કોઈ જ નિકાલ ન હોવાના કારણે ગટર સંપૂર્ણપણે ચોકઅપ થઈ ગઈ છે. જેમાં નગરપાલિકાએ કાંસની અંદરથી પસાર થતી પીવાના પાણીની પાઈપ લાઈનમાંથી જ લોકોને કનેક્શન આપ્યું છે, જેના કારણે કાંસનું મળમૂત્ર પીવાના પાણી સાથે ભળતું હોવાથી લોકો ગંદુ પાણી આરોગવા માટે મજબુર બન્યા છે, ત્યારે હવે ભરૂચ નગરપાલિકા દ્વારા વહેલી તકે જામ થયેલી કાંસની સફાઈ કરવામાં આવે તેવી સોન તલાવડી વિસ્તારના સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Similar News