ભરૂચ : વડોદરાના કુખ્યાત લાલુ સિંધી માટે દારૂની ખેપ મારતો નામચીન ઝુબેર મેમણ ઝડપાયો

Update: 2020-03-18 10:47 GMT

ભરૂચ પોલીસે વડોદરાના કુખ્યાત લાલુ સિંધીનો વૈભવી કારમાં લઇ જવાતો 10 લાખ રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. વડોદરાના જ નામચીન બુટલેગર ઝુબેર મેમણ તથા તેના છ સાગરીતોને પોલીસે દારૂની ખેપ મારતા ઝડપી પાડયાં છે.

ભરૂચ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાંચને વડોદરાનો નામચીન બુટલેગર ઝુબેર મેમણ દારૂનો વિશાળ જથ્થો લઇને જઇ રહયો હોવાની બાતમી મળી હતી. ભરૂચ પોલીસની ટીમે ગોલ્ડનબ્રિજ નજીક વોચ ગોઠવી હતી જેમાં પસાર થતી ચાર વૈભવી કારને રોકી તલાશી લેવામાં આવી હતી. ચારેય કારમાંથી વિદેશી દારૂની 10 લાખ રૂપિયા ઉપરાંતની કિમંતની 2,700 કરતાં વધારે બોટલો મળી આવી હતી. પોલીસે બુટલેગર ઝુબેર મેમણ અને તેના છ સાગરિતોની ધરપકડ કરી છે. ચાર લકઝુરીયસ કાર સહિત કુલ 68 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દમણમાં ઉમેશ મોદીને ત્યાંથી દારૂનો જથ્થો ભરીને વડોદરાના કુખ્યાત લાલુ સિંધીને પહોંચાડવામાં આવી રહયો હતો. દારૂનો જથ્થો વડોદરા સુધી પહોંચે તે પહેલાં જ ભરૂચ પોલીસે ઝડપી પાડયો છે.

Similar News