અંકલેશ્વર : અમરાવતી નદી પર દઢાલ પાસે આવલો બ્રિજ બંધ કરાયો, 9 મહિના સુધી લોકોને ફેરાવો

રીપેરીંગ હાથ ધરવામાં આવશે. રીપેરીંગના કારણે પુલ પરથી નવ મહિના સુધી વાહનવ્યવહાર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે

Update: 2021-09-05 09:33 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દઢાલ પાસે આવેલો પુલ ખખડધજ બની જતાં આગામી દિવસોમાં તેનું રીપેરીંગ હાથ ધરવામાં આવશે. રીપેરીંગના કારણે પુલ પરથી નવ મહિના સુધી વાહનવ્યવહાર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. પુલ બંધ રહેવાના સંજોગોમાં આ રોડ પરથી અવરજવર કરતાં લોકોને 20 કીમીનો વધારાનો ફેરાવો થશે.

અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા હાઈવે ઉપર દઢાલ ગામ નજીક અમરાવતી નદી ઉપરનો બ્રિજ ખખડધજ બની ગયો છે. 61 વર્ષ પહેલાં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું પણ નિયમિત સમારકામના અભાવે પુલ જર્જરિત હાલતમાં આવી ગયો છે. આ બ્રિજ પરથી રોજના હજારો વાહનોની અવરજવર રહેતી હોવાથી અકસ્માતનો ભય સેવાય રહયો હતો. છેલ્લે 2012ની સાલમાં પુલનું રીપેરીંગ કરાવવામાં આવ્યું હતું. દર ચોમાસામાં બ્રિજ પર મસમોટા ગાબડા પડી જતાં હોવાથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરતાં હોય છે. વર્ષોથી પુલના વ્યવસ્થિત રીપેરીંગના બદલે વહીવટીતંત્ર માત્ર ગાબડાઓ પુરી ગાડુ ગબડાવી રહયું છે. પુલના રીપેરીંગ બાબતે વિવિધ ઔદ્યોગિક મંડળો પર રજુઆતો કરી ચુકયાં છે. જિલ્લા વહીવટી તંત્રે 10 ટનથી વધુ ભારદારી વાહનો ત્યાંથી પસાર થવા પર પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં બે રોક ટોક વાહનો પસાર થઇ રહ્યા છે. હવે સરકારે દઢાલ પાસે આવેલાં બ્રિજના રીપેરીંગનું મુહુર્ત કાઢયું છે. આગામી નવ મહિના સુધી બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવતાં વાહનચાલકોને 20 કીમીનો વધારાનો ફેરાવો થશે..

Tags:    

Similar News