ભરૂચ : 108 ઈમરજન્સી સેવા ફરી બની જીવન સંજીવની, સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સમાં કરાવી સફળ પ્રસૂતિ...

Update: 2023-07-15 08:21 GMT

ભરૂચ 108 ઈમરજન્સી સેવા 365 દિવસ લોકોનો જીવ બચાવવા માટે હર હંમેશા તૈયાર અને તત્પર રહે છે, તેના જ ભાગરૂપે આજરોજ તારીખ ૧૫ જુલાઈ શનિવારના રોજ સવારે ૮:૩૫ કલાકે ઉમલ્લા 108 ઈમરજન્સી સેવાને તાલુકો નદોદ જિલ્લો નર્મદા કાંદરોજ ગામનો પ્રસૂતિના દુખાવાનો ઈમરજન્સી કોલ મળતા ઉમલ્લાની એમ્બ્યુલન્સ ગણતરીના સમયમાં જ શિલ્પા રેવાદાશ વસાવાના ઘરે પહોંચી ગઈ હતી.

સગર્ભા મહિલા શિલ્પાબેનને પ્રસૂતિનો દુખાવો ઉપડતા તેઓને કાંદરોજ ગામથી સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે લઈ જઈ રહ્યા હતા. તે સમયે નવાપરા અને કુમસગામ વચ્ચે સગર્ભાને અસહ્ય પ્રસૂતિની પીડા ઉપડતા ત્યાજ પ્રસૂતિ કરાવી પડે એવું જણાતા ઇએમટી હિનાબેનએ પાઇલટ નિર્મલભાઇને કહી એમ્બ્યુલન્સ સાઇડમાં ઉભી રખાવી ડિલિવરી કીટ તૈયાર કરી ERCP ડોક્ટરના માર્ગદર્શન હેઠળ થોડી જ ક્ષણોમાં એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી. 

સગર્ભાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો, અને ત્યારબાદ માતા અને બાળકને જરૂરી સારવાર આપી નજીકની સિવિલ હોસ્પિટલ-રાજપીપળા ખાતે દાખલ કરાયા હતા, જ્યાં બંનેની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.

Tags:    

Similar News