ભરૂચ: રાજા સિદ્ધરાજ જયસિંહને આ સ્થળે ચર્મરોગમાંથી મળી હતી મુક્તિ, જુઓ ગુપ્ત ગોદાવરીનું મહત્વ

ભરૂચના ઝઘડીયા તાલુકામાંથી વહે છે ગુપ્ત ગોદાવરી, રાજા સિદ્ધરાજ જયસિંહને ચર્મરોગમાંથી મળી હતી મુક્તિ.

Update: 2023-07-31 10:24 GMT

ભરૂચના ઝઘડીયા તાલુકામાંથી વહેતી ગુપ્ત ગોદાવરીનું અનેરૂ મહત્વ રહેલું છે. આ નદીનું મહત્વ રાજા સિદ્ધરાજ જયસિંહ સાથે જોડાયેલું છે.

ભરૂચજિલ્લાના ઝઘડિયા તાલુકામાં વસતાં હજારો લોકો અહીંથી હજારો કિલોમીટર દૂર વહેતી ગોદાવરી નદીની પાવનતાનો ગામ આંગણે સાક્ષાત્કાર કરી રહ્યા છે, કારણ કે એક માન્યતા પ્રમાણે સરસાડ ગામમાં ગોદાવરી નદીનુ્ં નીર ગુપ્તપણે બહાર વહી રહ્યું છે. પ્રવાહ કયાંથી આવે છે અને તેનું મૂળ કયાં છે તે પણ આજ દિન સુધી ગુપ્ત રહયું છે.

ગુપ્ત ગોદાવરીના નીરમાં રહેલું વિશિષ્ટ સત્વ ચામડીના દરેક પ્રકારના રોગોને જળ મૂળમાંથી નાબૂદ કરતું હોવાની પ્રવર્તતી માન્યતાને પરિણામે શ્રદ્ધાળુઓ ગામે ગામથી સ્થળ પર સ્નાન કરવા માટે આવતા હોય છે.ઝઘડિયા તાલુકાના સરસાડ ગામે લોકો નર્મદા નદીના દર્શન સાથે ગોદાવરી નદીમાં સ્નાન કરવાનું સૌભાગ્ય મેળવતા હોય છે.

લોક વાયકા મુજબ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહને શરીર પર રકતકોઢ નીકળ્યો હતો. જેના નિવારણ માટે રાજવૈદ્યએ તેમને નાસિક પાસે વહેતી ગોદાવરીમાં સ્નાન કરવા જવા જણાવ્યું હતું. તે અનુસાર રાજા પોતાના વિશાળ કાફલા સાથે નાસિક જવા નીકળ્યા હતા.દરમિયાનમાં ઝઘડિયાના સરસાડ ગામ પાસેથી નીકળતી વખતે રાજા જયસિંહની અચાનક તબિયત ગંભીર થતાં રાજાએ સરસાડમાં મુકામ કર્યો હતો.

ચર્મરોગથી પિડાતા રાજાએ આ સ્થળે ગોદાવરીનું અંત:કરણથી સ્મરણ કરતાં ગૌમુખમાંથી નીરનો પ્રવાહ વહેતો થયો હતો.રાજાએ નીરમાં સ્નાન કરતાં તેમના શરીર પરનો કોઢ ગાયબ થઈ ગયો હતો. ઉપરાંત નાસિક ખાતે ગોદાવરીમાં સ્નાન કરવા ગયેલ રાણીના ગોદાવરીમાં વહાવેલા કુંડળ પણ સરસાડ ખાતે પ્રકટ થયેલ જળ પ્રવાહમાંથી નીકળતાં લોકોમાં ગુપ્ત ગોદાવરી પ્રત્યેની શ્રદ્ધા વધુ દ્રઢ બની હતી ત્યાર બાદ રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ સ્થળે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

આજે પણ ચર્મરોગથી પિડાતા અસંખ્ય લોકો સરસાડ ગામે ગુપ્ત ગોદાવરીમાં સ્નાન કરી રોગ મુકત બને છે.

Tags:    

Similar News