ભરૂચ : 2 મહિના અગાઉ ગુમ થયેલા યુવકનું વછનાદ ગામેથી કંકાલ મળી આવ્યું, પોલીસ તપાસ શરૂ...

મળતી માહિતી અનુસાર, વાગરા પોલીસ મથકે 2 મહિના અગાઉ વછનાદ ગામનો યુવક ગુમ થયો હોવાની જાણવા જોગ ફરિયાદ નોંધાવા પામી હતી.

Update: 2022-09-06 11:57 GMT

ભરૂચ જિલ્લાના વાગરા પોલીસને મળી આવેલ માનવ કંકાલનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી છે. જેમાં વછનાદના ગુમ થયેલ યુવકનો માનવ કંકાલ હોવાનું બહાર આવ્યુ છે. ચપ્પલ, ટી-શર્ટ, પેન્ટ અને ચાંદીની લકીના આધારે યુવકની ઓળખ છતી થવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, વાગરા પોલીસ મથકે 2 મહિના અગાઉ વછનાદ ગામનો યુવક ગુમ થયો હોવાની જાણવા જોગ ફરિયાદ નોંધાવા પામી હતી. સતત શોધખોળ છતાં ગુમ યુવક ભાવેશ રાઠોડનો કોઈ જ અતોપત્તો મળ્યો ન હતો, ત્યારે ગતરોજ પોલીસને માહિતી મળી હતી કે, વછનાદ ગામની સીમમાં આવેલ કેલોદ વગામાં લીમડાના ઝાડ નીચે માનવ કંકાલ પડેલ છે. જેની તપાસ અર્થે વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, અને 2 મહિના અગાઉ ગુમ થયેલા યુવકના પરિજનોને બોલાવ્યા હતા, જ્યાં યુવકના પિતા જસવંત રાઠોડે ચપ્પલ, ટી-શર્ટ, પેન્ટ અને ચાંદીની લકી તેમના નાના પુત્ર ભાવેશનું હોવાનું જણાવ્યુ હતું. જેના આધારે હાડપિંજર ભાવેશનું હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે યુવકના પિતાએ યુવક કોઈ કામ-ધંધો કરતો ન હોઇ તેથી જે તે સમયે ઠપકો આપી પોતાની સાથે કામ પર આવવા જણાવ્યુ હતું. આ બાબતનું માઠું લાગતા યુવક ઘરેથી નીકળી ગયો હતો. યુવકે લીમડાના ઝાડ પર લટકી ફાંસો ખાઈ લીધો હતો. સમય જતાં ભાવેશની બોડી ડી-કમ્પોઝ થઈ જતા હાડકાંઓ જમીન ઉપર પડેલા નજરે પડ્યા હતા. પોલીસ ભાવેશના માનવ કંકાલની ચોકસાઈ અર્થે તેને સુરત ફોરેન્સીક લેબમાં લઇ ગઇ હોવાની માહિતી સાંપડી છે. જોકે, પોલીસે માનવ કંકાલ સંદર્ભે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Tags:    

Similar News